આમચી મુંબઈટોપ ન્યૂઝ

બોલો, ‘બોગસ’ કંપનીના નામે 2.90 કરોડની IT નોટિસ: ડોમ્બિવલીના યુવકને આઘાત!

મુંબઈ: સામાન્ય નોકરી કરતા ડોમ્બિવલીના યુવકને નામે સાત વર્ષથી કંપની ધમધમતી હતી અને એ વાતની ખુદ યુવકને જાણ નહોતી. આવકવેરા વિભાગે 2.90 કરોડ રૂપિયા ભરવાની નોટિસ મોકલતાં યુવકને આંચકો લાગતાં તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અજાણ્યા શખસે યુવકના દસ્તાવેજોનો ઉપયોગ કરીને બોગસ કંપની શરૂ કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું.

ડોમ્બિવલીમાં ઘનશ્યામ ગુપ્તે માર્ગ ખાતે રહેતા 28 વર્ષના યુવકે નોંધાવેલી ફરિયાદને આધારે વિષ્ણુનગર પોલીસે બુધવારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસ ફરિયાદ અનુસાર જુલાઈ, 2017થી માર્ચ, 2024 દરમિયાન કથિત ઠગાઈ થઈ હતી. ફરિયાદી યુવકના આધાર, પૅન કાર્ડ જેવા મહત્ત્વના દસ્તાવેજોને આધારે અજાણ્યા શખસે એક કંપની શરૂ કરી હતી. આ બાબતની જાણ ફરિયાદીને નહોતી.

સંબંધિત કંપનીના માધ્યમથી વિવિધ પ્રકારના આર્થિક વ્યવહાર કરવામાં આવ્યા હતા. આ આર્થિક વ્યવહારને લગતી રકમ આવકવેરા વિભાગમાં ચૂકવવામાં આવી નહોતી. બધા આર્થિક વ્યવહાર ઑનલાઈન કરાયા હોવાથી તેની જાણ ફરિયાદીને થઈ નહોતી.

ફરિયાદ અનુસાર સંબંધિત કંપની ટૅક્સ ભરતી ન હોવાનું આવકવેરા વિભાગના ધ્યાનમાં આવ્યું હતું. કંપની ચલાવનારનું સરનામું ફરિયાદીના ઘરનું હોવાથી આવકવેરા વિભાગે ફરિયાદીને નોટિસ મોકલી હતી. 2022માં ફરિયાદીને મળેલી નોટિસમાં 2.90 કરોડ રૂપિયા ટૅક્સ ભરવાનું જણાવાયું હતું.

નોટિસ જોઈ યુવકને આંચકો લાગ્યો હતો. તેણે આવકવેરા વિભાગમાં નોટિસ અંગે ફરિયાદ કરી હતી. તપાસમાં યુવકના દસ્તાવેજોને આધારે બોગસ કંપની ખોલીને અજાણ્યા શખસે આર્થિક વ્યવહાર કર્યા હોવાનું સામે આવ્યું હતું. પરિણામે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

આપણ વાંચો : પનવેલમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણને નામેએક કરોડની છેતરપિંડી કરનારો પકડાયો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button