ડોમ્બિવલી- શિલફાટા રોડ આજે ભારે વાહનો માટે બંધ પ્રીમિયર ગ્રાઉન્ડમાં બાલાજી ઉત્સવ માટે ટ્રાફિક વિભાગનો નિર્ણય
મુંબઇ: ડોમ્બિવલી-કલ્યાણ-શિલફાટા રોડ પરના પ્રીમિયર ગ્રાઉન્ડમાં રવિવારે શ્રી શ્રીનિવાસ કલ્યાણમ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવવાના હોવાથી પરિવહન વિભાગે રવિવારે (૨૫મી)ના રોજ સવારે પાંચ થી રાત્રે ૧૧ વાગ્યા સુધી શિલફાટા રોડ પર ભારે વાહનો માટે પ્રવેશ બંધ રાખવાનો નિર્ણય લીધો છે અને ભારે વાહનોને વૈકલ્પિક માર્ગ અપનાવવાની સલાહ આપી છે. આ રોડ પર માત્ર હળવા વાહનો ચાલુ રહેશે. સ્પેશિયલ બ્રાન્ચના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ગણેશ ગાવડેએ શનિવારે આ સંદર્ભમાં એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું.
પ્રવેશ બંધ અને વૈકલ્પિક માર્ગો નીચે મુજબ છે.
મુંબ્રા, કલ્યાણ ફાટાથી કલ્યાણ, ડોમ્બિવલી જતા તમામ ભારે વાહનો કલ્યાણ ફાટા પર બંધ રહેશે. આ વાહનો મુંબ્રા વળાંક રોડ, ખારેગાંવથી મુંબઈ-નાસિક હાઇવે દ્વારા પોતાના ગંતવ્ય તરફ આગળ વધશે. ભિવંડી, દુર્ગાડીથી શિલફાટા થઈ પત્રીપૂલ તરફ જતા વાહનો માટે દુર્ગાડી ચોક ખાતે પ્રવેશ બંધ રહેશે. આ વાહનો દુર્ગાડી ચોકથી ખડકપાડા થઈને ઈચ્છિત સ્થળે જશે. વાલધુની ચોકથી આનંદ દિઘે બ્રિજ પરથી પસાર થતા ભારે વાહનો માટે વાલધુની ચોકમાં પ્રવેશ બંધ છે. આ વાહનો ઉલ્હાસનગર સુભાષ ચોક થઈને જશે. વિઠ્ઠલવાડી, શ્રીરામ ચોક થઈને કોલસેવાડી જતા તમામ ભારે વાહનો શ્રીરામ ચોક ખાતે બંધ રાખવામાં આવ્યા છે. આ વાહનો ઉલ્હાસનગર, શહાડ, અંબરનાથ માર્ગે પસાર થશે. નેવાળી નાકાથી કોલસેવાડી વિસ્તારમાં જતા ભારે વાહનોનો પ્રવેશ નેવાળી નાકા ખાતે બંધ છે. આ વાહનો બદલાપુર, અંબરનાથ થઈને જશે. તલોજા નિસર્ગ ધાબા ખોણી માર્ગે પસાર થતા ભારે વાહનો માટે ખોણી નિસર્ગ ધાબાનો પ્રવેશ બંધ રહેશે. આ વાહનો બદલાપુર, અંબરનાથ, કટાઈ બદલાપુર ચોક, લોઢા પલાવા કલ્યાણ ફાટા થઈને ઈચ્છિત સ્થળે જશે.