સાવધાનઃ ડોંબિવલીના રહેવાસીએ ક્રિપ્ટોકરન્સી ફ્રોડમાં 47.47 લાખ રૂપિયા ગુમાવ્યા

મુંબઈઃ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે ડોંબિવલીના 38 વર્ષના રહેવાસી સાથે 47.47 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી. ડોંબિવલીમાં રહેતા ફરિયાદીનો અજાણ્યા શખસોએ 22 ફેબ્રુઆરીથી 17 માર્ચ દરમિયાન સંપર્ક કર્યો હતો અને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચ આપી હતી.
આ પણ વાંચો: ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં મોટી હલચલ, Bitcoin નો ભાવ રેકોર્ડ હાઇ પણ પહોંચ્યો
ફરિયાદીએ બાદમાં આરોપીઓના કહેવા મુજબ વિવિધ બૅંક અકાઉન્ટ્સમાં ઓનલાઇન ટ્રાન્ઝેક્શન્સ કર્યા હતા. જોકે રોકાણ કર્યા બાદ તેને કોઇ વળતર આપવામાં આવ્યું નહોતું અને તેને રોકેલા પૈસા પણ પાછા મળ્યા નહોતા.
પોતે છેતરાયો હોવાનું ધ્યાનમાં આવતાં ફરિયાદીએ શનિવારે પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ફ્રોડ સાથે કડી ધરાવતી કંપનીને ઓળખી કાઢવામાં આવી છે. આરોપીઓએ ઉપયોગ કરેલા મોબાઇલ નંબર, વ્હૉટ્સઍપ અકાઉન્ટ્સ તથા બૅંક ટ્રાન્ઝેક્શન્સ પર પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે.