ડોમ્બિવલીમાં રાજકારણીના પુત્રની હત્યાના કેસમાં ત્રણ આરોપીને જનમટીપ: 10 નિર્દોષ

થાણે: ડોમ્બિવલીમાં ગ્રામપંચાયતની કચેરીમાં ઘૂસીને ગોળીબાર કરી અને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી એનસીપી (એસપી)ના સ્થાનિક પદાધિકારી વંડાર પાટીલના પુત્ર વિજય પાટીલની હત્યાના કેસમાં 18 વર્ષે સેશન્સ કોર્ટે ત્રણ આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. જોકે આ કેસમાં પુરાવાને અભાવે શિવસેનાના ભૂતપૂર્વ નગરસેવક મહેશ પાટીલ સહિત 10ને નિર્દોષ છોડવામાં આવ્યા હતા.
કલ્યાણના એડિશનલ સેશન્સ જજ પી. આર. અષ્ટુરકરે આરોપી વિજય બાબુરાવ બાકાડે (42), સુનીલ રામચંદ્ર ભોઈર (54) અને સાજિદ હમીન શેખ (40)ને કસૂરવાર ઠેરવ્યા હતા. તપાસકર્તા પક્ષ ત્રણેય વિરુદ્ધના આરોપ પુરવાર કરવામાં સફળ રહ્યો હોવાની નોંધ કરી કોર્ટે તેમને જનમટીપની સજા સંભળાવી હતી.
કોર્ટે આદેશમાં નોંધ્યું હતું કે શિવસેનાના નેતા મહેશ પાટીલ સહિત 10 જણ સામેના આરોપ પુરવાર થતા નથી. પરિણામે શંકાનો લાભ આપી તેમને નિર્દોષ જાહેર કરાયા હતા.
એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરે આરોપીઓને કડક સજા આપવાની વિનંતી કોર્ટમાં કરી હતી. ખટલા દરમિયાન માનપાડા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ એ. આર. ગોગરકરે કોર્ટમાં તપાસકર્તા પક્ષને સહાય કરી હતી. આરોપ પુરવાર કરવા માટે ફરિયાદ પક્ષના 24 જેટલા સાક્ષી તપાસવામાં આવ્યા હતા.
તપાસકર્તા પક્ષે કોર્ટમાં જણાવ્યું હતું કે ઘટના 10 એપ્રિલ, 2007ના રોજ ડોમ્બિવલીના ગોળવલી ગામમાં બની હતી. ગ્રામપંચાયતની ઑફિસમાં ઘૂસીને આરોપીઓએ વિજય પાટીલ પર ગોળીબાર કર્યો હતો. એ સિવાય ચોપર અને તલવારથી પણ હુમલો કરાયો હતો. આ ઘટનામાં પાટીલનું મૃત્યુ થયું હતું,
જ્યારે મધ્યસ્થી કરવાના પ્રયાસમાં સુબોધ જગતાપ જખમી થયો હતો. આ પ્રકરણે માનપાડા પોલીસે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો અને આર્મ્સ ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.
કહેવાય છે કે 2006માં ગોળવલી ગામમાં જ બાળુ ભોઈરની થયેલી હત્યાનું વેર વાળવાને ઇરાદે પાટીલ પર હુમલો થયો હતો. ભોઈરની હત્યામાં પાટીલ અને તેના સાથીઓનાં નામ ઊછળ્યાં હતાં.