ડોંબિવલી એમઆઈડીસીમાં કંપનીમાં આગ : એકનું મોત

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: ડોંબિવલીમાં એમઆઈડીસીમાં કૅલેક્સી કંપનીમાં શુક્રવારે બપોરના અચાનક આગ ફાટી નીકળી હતી. આગે ભીષણ સ્વરૂપ ધારણ કરતા આગમાં એક કામગારનું મૃત્યુ થયું હોવાનો બનાવ બન્યો હતો.
ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ કંપનીમાં આગ ફાટી નીકળતા ઘટના સ્થળે હાજર રહેલા કર્મચારીોએ તાત્કાલિક ફાયર સેફટી સિસ્ટમનો ઉપયોગ કરીને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમા તેઓ અસફળ રહ્યા હતા. ઘટના સ્થળે ફાયરબ્રિગેડે પહોંચીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી અને આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. જોકે આ દરમિયાન આગમાં એક કર્મચારીનું મૃત્યુ થયું હતું.
મળેલ વિગત મુજબ એમઆઈડીસીમાં કૅલેક્સી કંપનીમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કેન્ટર છે. આ સેન્ટરમાં બુધવારે કર્મચારીઓ કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક કંપનીના એક ડિપાર્ટમેન્ટમાંથી ધુમાડા નીકળતા જણાયા હતા અને ક્ષણભરમાં આગ ચોતરફ ફેલાઈ ગઈ હતી. એ સમયે અંદર રહેલા કર્મચારીઓ માંડ માંડ બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. જોકે આ દરમિયાન અંદર ધુમાડો ચોતરફ ફેલાઈ જતા એક કામગાર બહાર નીકળી શક્યો નહોતો અને તેનું અંદર જ મૃત્યુ થયું હતું.
પ્રાથમિક તપાસ મુજબ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે. અહીં દવાના ઉત્પાદન પ્રક્રિયા સંબંધી રિસર્ચઅને ડેવલપમેન્ટનું કામ કંપની કરતી હતી. કંપનીમાં કોઈ પણ પ્રકારનું ઉત્પાદન કરવામાં આવતું નહોવાનું કહેવાય છે.