ડોંબિવલી મતદાન કેન્દ્ર પર અંધાધૂંધીઃ એક મત માટે લાગી 45 મિનિટ, ચૂંટણી પંચના રેઢિયાળ કારભાર સામે ઠાલવ્યો રોષ…

મુંબઈઃ નવ વર્ષ બાદ મુંબઈ સહિત મહારાષ્ટ્રની 29 મહાનગર પાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે મતદાતાઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે, આ વખતના મતદાનમાં અનેક મતદારોને મતદાન કરવામાં મુશ્કેલી પડી હતી. મુલુંડના રહેવાસી મતદાતાને ડોંબિવલીમાં આવેલા પોલિંગ બૂથ પહોંચવામાં તો 20 મિનિટનો સમય લાગ્યો હતો, પરંતુ મતદાન કેન્દ્ર પહોંચ્યા પછી ચૂંટણી પંચના રેઢિયાળ કારભારને કારણે મતદાન કરવામાં 45 મિનિટ લાગી હતી. પરિણામે સમગ્ર યંત્રણા અંગે મતદારે નારાજગી વ્યક્ત કરી હતી.
‘મુંબઈ સમાચાર’ સાથે વાત કરતાં દર્શના વિસરીયાએ જણાવ્યું હતું કે ડોંબિવલી (ઈસ્ટ)માં આવેલા કેડીએમસી સયાજીરાવ ગાયકવાડ મરાઠી સ્કૂલ નંબર 81ના મતદાન કેન્દ્ર પર પહોંચ્યા બાદ તો ચૂંટણી પંચનો રેઢિયાળ કારભાર જોઈને મગજ ચકરાવે ચઢી ગયું હતું. મતદાર યાદીમાં નામ શોધવા માટે ચૂંટણી અધિકારીઓએ એક રૂમમાંથી બીજા રૂમમાં, બીજા રૂમમાંથી ત્રીજા રૂમમાં આંટા ફેરા કરાવ્યા બાદ આખરે ચાળીસ મિનિટે નામ મળતાં મતદાનની ફરજ બજાવી શકાઈ હતી.
આખા કેન્દ્ર પર જ અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો હતો, જેને કારણે સિનિયર સિટીઝન્સ, નોકરી પર જવા માટે વહેલી સવારે મતદાન કરવા પહોંચેલા નોકરિયાત વર્ગને પણ બૂથ પર તહેનાત અધિકારીઓના અધૂરા જ્ઞાન અને જાણકારી અભાવે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. બૂથ ઓફિસર પણ આટલી અવ્યવસ્થા અને અસુવિધા બાબતે કોઈ સ્પષ્ટતા આપી શક્યા નહોતા અને તંત્રના માથે દોષનો ટોપલો ઢોળી દીધો હતો.
રહેવાનું વેસ્ટમાં અને મતદાન કેન્દ્ર ઈસ્ટમાં
ચૂંટણી અધિકારી પાસે પોતાનું નામ તપાસી રહેલાં ડોંબવલી નિવાસી મહિલા સાથે પણ અજબ જ ઘટના બની હતી. જેનું મહિલાને આશ્ચર્ય થયું એના કરતાં વધારે નામ તપાસી રહેલાં મહિલા ચૂંટણી અધિકારીને થયું હતું. મહિલા મતદાતાનું ઘર તો હતું ડોંબિવલી વેસ્ટમાં પણ તેમનું નામ ડોંબિવલી ઈસ્ટમાં આવેલી કેડીએમસી સ્કૂલમાં આવતાં તેઓ પણ પરેશાની વેઠીને મતદાન કરવા માટે મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા.
તંત્રની બેદરકારીનો ભોગ સામાન્ય નાગરિક જ બને છેઃ સિનિયર સિટીઝન
નામ નહીં આપવાની શરતે આ જ કેન્દ્ર પર મત આપવા આવેલા સિનિયર સિટીઝને જણાવ્યું હતું કે હું મારી પત્ની સાથે અહીં વોટ કરવા માટે આવ્યો હતો. મારી પત્નીને ચાલવામાં પણ મુશ્કેલી પડી રહી છે એને એક જગ્યાએ બેસાડીને હું અહીં અમારા નામ તપાસવા માટે આવ્યો છું, પરંતુ અહીં આ લોકોને પૂરતી જાણકારી જ નથી. તંત્રની બેદરકારીનો ભોગ હંમેશા તમારા અમારા જેવા સામાન્ય નાગરિકોને બનવું પડે છે.
હું તો દરેક ચૂંટણીમાં મતદાન કરું છું…
ડોંબિવલીના આ જ મતદાન કેન્દ્ર પર મતદાન કરીને પોતાની ફરજ બજાવવા પહોંચેલા એક દાદી પણ ચૂંટણી પંચના રેઢિયાળ કારભારના સપાટામાં આવી ગયા હતા. દાદીને ઘરે વોટર સ્લિપ તો આવી હતી, પરંતુ મતદાર યાદીમાં તેમનું નામ જ જોવા નહોતું મળ્યું. પરિણામે તેમણે વોટ આપ્યા વિના જ પાછા ફરવાનો વારો આપ્યો હતો. પોતાની વ્યથા ચૂંટણી અધિકારી સામે રજૂ કરતાં તેમણે જણાવ્યું હતું કે આવું તો કઈ રીતે શક્ય છે? હું તો દર વખતે બરાબર મતદાન કરું છું તો આ વખતે મારી સાથે કેમ આવું થયું હશે, એવો સવાલ તેમની આંખોમાં ડોકાઈ રહ્યો હતો.



