
મુંબઈઃ ડોંબિવલી પૂર્વ સ્થિત એમઆઈડીસી સ્થિત કંપનીમાં આગ લાગ્યા પછી બોઈલરમાં વિસ્ફોટને કારણે સમગ્ર વિસ્તારમાં અફડાતફડીનું નિર્માણ થયું હતું. ઘટનાસ્થળના વીડિયો પણ સોશિયલ મીડિયા પર પણ જોરદાર વાઈરલ થયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર ડોંબિવલી પૂર્વના એમઆઈડીસી વિસ્તાર (ફેઝ ટૂ)માં આવેલી ફેક્ટરીમાં આગ પછી અચાનક વિસ્ફોટ થયા હતા, તેનાથી સમગ્ર પરિસરના લોકોમાં ડરનો માહોલ ઊભો થયો હતો.
એમઆઈડીસી સ્થિત હ્યુન્ડાઈના શો રુમ નજીકની કંપનીમાં આગ લાગ્યા પછી વિસ્ફોટ થયા હતા. કંપનીમાં આગ લાગવાની સાથે આસપાસના વિસ્તારમાં આગ ફેલાઈ હતી. આગના ધુમાડા પણ દૂર દૂરથી જોવા મળતા લોકોએ તેના વીડિયો પણ કેમેરામાં કેદ કર્યા હતા. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની ટીમ પહોંચીને આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા હોવાનું ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : કલ્યાણ-ડોંબિવલી, તળોજા, ઉલ્હાસનગરમાં ૨૪ કલાક માટે પાણીપુરવઠો બંધ રહેશે
પ્રાથમિક માહિતી અનુસાર પાંચથી છ જણ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આગ પછી વિસ્ફોટને કારણે અમુક ઈમારતમાં કાચના બારી-બારણાના ફૂરચા ઉડી ગયા હતા. આગ લાગ્યા પછી તાત્કાલિક ઉલ્હાસનગર, અંબરનાથ અને થાણેમાંથી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.