ડોંબિવલીની સગીરાનું અપહરણ કરી ટ્રેનમાં ગુજાર્યો બળાત્કાર…

થાણે: ડોંબિવલીની 16 વર્ષની સગીરાનું અપહરણ કર્યા બાદ તેને અકોલા લઇ જતી વખતે ટ્રેનમાં તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. કલ્યાણ જીઆરપી (ગવર્નમેન્ટ રેલવે પોલીસ)એ આ પ્રકરણે ગુનો દાખલ કરીને ફરાર આરોપીની શોધ આદરી હતી. ડોંબિવલીના માનપાડા વિસ્તારમાં અદિવલી ખાતે રહેનારી પીડિતાને 20 વર્ષનો આરોપી 30 જૂને અકોલા લઇ ગયો હતો અને તેણે ટ્રેનમાં પ્રવાસ દરમિયાન તેના પર બળાત્કાર ગુજાર્યો હતો, એમ કલ્યાણ જીઆરપીના સિનિયર ઇન્સ્પેક્ટર પંઢરી કાંદેએ જણાવ્યું હતું.
યુવકનો પરિવાર અકોલામાં રહેતો હોઇ તેમણે યુવક અને સગીરાને ઘરમાં પ્રવેશવા દીધા નહોતાં. આથી સગીરાને અકોલા રેલવે સ્ટેશને છોડ્યા બાદ યુવક તેના ઘરે પાછો ફર્યો હતો. અકોલા જીઆરપીના અધિકારીઓને સ્ટેશન પર સગીરા મળી આવી હતી. તેની પૂછપરછ કરાતાં ઘટના પ્રકાશમાં આવી હતી. આથી અકોલા જીઆરપીએ ઝીરો એફઆઇઆર દાખલ કર્યો હતો અને બાદમાં કેસ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
કલ્યાણ જીઆરપીએ આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 64 (બળાત્કાર) અને 137 (અપહરણ) તેમ જ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આરોપી ફરાર હોઇ પોલીસ તેની શોધ ચલાવી રહી છે. (પીટીઆઇ)