ડૉલરને બહાને કાગળ પકડાવી છેતરપિંડી ,કરનારી મહિલા સહિત પાંચની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સસ્તી કિંમતે વિદેશી ચલણ ડૉલર્સ આપવાને બહાને કથિત છેતરપિંડી કરનારી ટોળકીની મહિલા સહિત પાંચ જણની થાણે ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી.
થાણેની એન્ટી એક્સ્ટોર્શન સેલે (એઈસી) પકડી પાડેલા આરોપીઓની ઓળખ ફરઝાના ઉર્ફે કાજલી અમીરઉલ્લા શેખ (39), હસન મુસા શેખ (29), વહાવલી અમીરઅલી ખાન (26), હૈદર નયાન શેખ (32) અને માજીદઅલી તાહીર હુસેન (39) તરીકે થઈ હતી. આરોપીઓ પાસેથી 1.86 લાખ રૂપિયાની રોકડ અને મોબાઈલ ફોન્સ જપ્ત કરવામાં આવ્યા હતા.
પોલીસ ફરિયાદ અનુસાર આ ટોળકી સસ્તી કિંમતે ડૉલર્સ પૂરા પાડવાની લાલચ આપતી હતી. ડૉલર્સ લેવા ઇચ્છુક વ્યક્તિને નક્કી કરેલા સ્થળે બોલાવવામાં આવતી. એ વ્યક્તિ પાસેથી રૂપિયા લઈને એક થેલી આપવામાં આવતી. થેલીમાં ડૉલર્સ હોવાનું કહીને ઉતાવળે ટોળકીના સભ્યો ત્યાંથી રવાના થઈ જતા હતા.
ફરિયાદ અનુસાર આરોપી ડૉલર્સને બદલે કાગળનાં બંડલ પકડાવી રફુચક્કર થઈ જતા હતા. આ પ્રકરણે તાજેતરમાં મુંબઈના દેવનાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. દેવનાર પોલીસ સ્ટેશનના કેસમાં સંડોવાયેલા આરોપી થાણેના રાબોડી વિસ્તારમાં સાકેત રોડ ખાતેના મહાલક્ષ્મી મંદિર સામે આવવાના હોવાની માહિતીને આધારે એઈસીના સિનિયર ઈન્સ્પેક્ટર માલોજી શિંદે અને એપીઆઈ સુનીલ તારમળેની ટીમે છટકું ગોઠવી પાંચ જણને પકડી પાડ્યા હતા. આરોપીઓએ આ રીતે મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં અનેક લોકોને છેતર્યા હોવાનું પોલીસ તપાસમાં જણાયું હતું.