‘ગ્રૂમિંગ સેન્ટર’માં ‘ડોગી’ના કર્યા બેહાલ, વીડિયો વાઈરલ થતા…
મુંબઈ: આજકાલ પ્રાણીઓ પર અત્યાચાર થવાની ઘટનામાં મોટો વધારો થયો છે. સોશિયલ મીડિયા પર રોજ પ્રાણીઓ સાથે અમાનવીય વર્તન કરતાં લોકોના હજારો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થાય છે. તેમ જ આવા લોકો સામે પ્રાણી સુરક્ષા કાયદા હેઠળ કડક કાર્યવાહી પણ કરવામાં આવે છે. તાજેતરમાં થાણેના એક ‘પેટ ગ્રૂમિંગ સેન્ટર’માં બે વ્યક્તિએ એક ડોગીને ક્રૂરતાપૂર્વક મારતા હોવાની ઘટના બની હતી. આ ડોગી ક્રૂરતાભર્યું વર્તન કરવા બદલ પેટ ગ્રૂમિંગ સેન્ટરમાંથી બે જણ સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો.
પોતાના પેટ (પાળેલા પ્રાણી)ને વધુ સુંદર બનાવવા માટે અનેક લોકો પેટ્સને ગ્રૂમિંગ સેન્ટરમાં મોકલે છે, પણ હવે ગ્રૂમિંગ સેન્ટરમાં શ્વાન સાથે ક્રૂર વર્તનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી પેટલવર્સે આરોપીઓ સામે જોરદાર નારાજગી વ્યક્ત કરી હતી અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગણી થઈ રહી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં ગ્રૂમિંગ સેન્ટરમાં બે વ્યક્તિ એક ચાઉ-ચાઉ બ્રિડના એક ડોગી (chow chow dog)ને મુક્કા અને લાત મારતા દેખાઈ રહ્યા છે. આ વીડિયોમાં ડોગીને માર મારી રહ્યા બંને આરોપીનો ઓળખ મયુર જાધવ (19 વર્ષ) અને પ્રશાંત ગાયકવાડ (20 વર્ષ) તરીકે કરવામાં આવી છે.
એક અહેવાલ મુજબ આ વીડિયો એક અઠવાડિયા જૂનો છે. આ વીડિયો વાઇરલ થયા બાદ થાણેમાં આવેલા આ ગ્રૂમિંગ સેન્ટરની બહાર લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શનને લઈને પોલીસે ઘટના વચ્ચે હસ્તક્ષેપ કરી થોડા સમય માટે ગ્રૂમિંગ સેન્ટરને બંધ કરાવ્યું હતું. એક એનિમલ એક્ટિવિસ્ટે કહ્યું હતું કે વીડિયોમાં દેખાતો આ ડોગીનું નામ ટોફૂ છે, જે લગભગ બે વર્ષોનો છે. ટોફૂના મલિકા થોડા દિવસ માટે બહાર ગયા છે, જેથી તેમણે ટોફૂને મારી પાસે રાખ્યો હતો.
આ ઘટનાને લઈને લોકોમાં આરોપીઓ સામે આક્રોશ વધતાં પોલીસ દ્વારા બંને આરોપીઓ સામે કાર્યવાહી કરી ‘એનસી પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ’ હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડોગી સાથે આવું ક્રૂરતાપૂર્ણ વર્તન કરવા માટે બંને આરોપીને નોકરીમાંથી પણ કાઢી નાખવામાં આવ્યા હોવાની માહિતી એક અધિકારીએ આપી હતી.