એન્ટિલિયા નજીક વિસ્ફોટકો શોધી કાઢનારો શ્ર્વાન ઑસ્કર પોલીસદળમાંથી થયો નિવૃત્ત
મુંબઈ: 2021માં ઉદ્યોગપતિ મૂકેશ અંબાણીના દક્ષિણ મુંબઈના નિવાસસ્થાને એન્ટિલિયા નજીક પાર્ક કરાયેલી સ્કોર્પિયોમાંથી વિસ્ફોટકો શોધી કાઢનારા પોલીસનો શ્ર્વાન ઑસ્કર તેના સાથીદાર માયલો સાથે પોલીસદળમાંથી નિવૃત્ત થયો છે.
બંને શ્ર્વાન 10 વર્ષથી પોલીસદળનો ભાગ હતા. બુધવારે એડિશનલ પોલીસ કમિશનર (પ્રોટેક્શન એન્ડ સિક્યુરિટી) વિનીત સાહુ સહિત અનેક અધિકારીઓની હાજરીમાં એક કાર્યક્રમમાં શ્ર્વાનોને વિદાય આપવામાં આવી હતી.
ઑસ્કર 2014માં મુંબઈ પોલીસના બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ (બીડીડીએસ)માં જોડાયો હતો. ઑસ્કર બીડીડીએસમાં 12 શ્ર્વાનોમાંનો એક હતો અને તેની ફરજોમાં ધમકી, બોમ્બ કૉલ્સ તેમ જ વીઆઇપી સિક્યુરિટીનો સમાવેશ હતો.
મલબાર હિલમાં મૂકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા નજીક 25 ફેબ્રુઆરી, 2021ના રોજ પાર્ક કરાયેલી સ્કોર્પિયોમાંથી ઑસ્કરે જિલેટિન સ્ટિક્સ શોધી કાઢી હતી.
માયલોે વીઆઇપી સિક્યુરિટી, મહત્ત્વનાં સંસ્થાનોની તપાસ કરવી, ધમકીના કૉલ્સ અટેન્ડ કરવા, શંકાસ્પદ બેગ તપાસવી વિગેરે જેવી ફરજો બજાવતો હતો. (પીટીઆઇ)