મુંબઈ: રાજ્યમાં આરોગ્ય સેવા પર ગુરુવારે સાંજથી અસર થવાની શક્યતા છે. રાજ્યના રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે. આશ્ર્વાસન આપ્યા પછી પણ સરકારે તેઓની માગણી પૂરી કરી ન હોવાને કારણે આ પગલું ઉઠાવવામાં આવ્યું હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું.
મહારાષ્ટ્ર એસોસિયેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સે (માર્ડ) બે અઠવાડિયાં પહેલાં સ્ટાયપેંડ સમય પર મળતું ન હોવાનું, સ્ટાયપેંડ વધારવાનું અને હોસ્ટેલની અવ્યવસ્થામાં સુધારો લાવવા સંદર્ભે હડતાળ પર જવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે ૭મી ફેબ્રુઆરીના રોજ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સાથે બેઠક થઇ હતી અને એ સમયે ડોક્ટરોને તેઓની માગણી પૂરી કરવામાં આવશે, એવું આશ્ર્વાસન આપવામાં આવ્યું હતું. આ બેઠક બાદ રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાળ પર ન જવાનો નિર્ણય લીધો હતો. માર્ડનું પ્રતિનિધિત્વ કરનારા એક ડોક્ટરે જણાવ્યું હતું કે પ્રધાનમંડળની બેઠકમાં અમારી માગણીઓ પર નિર્ણય લેવામાં આવશે, એવું આશ્ર્વાસન અમને આપવામાં આવ્યું હતું, પણ એવો કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. આથી ગુરુવારે સાંજે પાંચ વાગ્યાથી હડતાળ પર જવાનોે નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની સરકરી મેડિકલ કોલેજ અને હોસ્પિટલના અંદાજે ચાર હજાર રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર જવાના છે.
