થાણેમાં ‘આપલા દવાખાના’ના ડૉકટર-કર્મચારીઓના પગાર મહિનાઓથી બંધ

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: ઑગસ્ટ મહિનાથી થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા થાણે શહેરમાં ગરીબોને મફતમાં આરોગ્ય સેવા પૂરી પાડવા માટે અમલમાં મુકાયેલી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘આપલા દવાખાના’ બંધ હોવાની સાથે જ નર્સ, ડૉકટર સહિતના કર્મચારીઓને છેલ્લા છ મહિનાથી પગાર મળ્યો નથી ત્યારે સોમવારે થાણે પાલિકા કમિશનરે ‘આપલા દવાખાના’ ચલાવનારી જે કંપનીની જવાબદારી છે તેની બેંક ગેરેન્ટીના પૈસાથી તમામ લોકોના પગાર અને ભાડા ચૂકવી દેવાનો નિદેર્શ આપ્યો હતો.
ગયા અઠવાડિયે ‘આપલા દવાખાના’ના સ્ટાફના એક પ્રતિનિધિ મંડળે થાણેના સ્થાનિક વિધાનસભ્યે મળીને તેમને છેલ્લા અનેક મહિનાથી પગાર મળ્યો ન હોવાનું તેમ જ ‘આપલા દવાખાના’ના ૪૦ ક્લિનિક કમર્શિયલ દુકાનમાં ફેરવાઈ ગયા હોવાની ફરિયાદ કરી હતી. સ્થાનિક વિધાનસભ્યએ એ બાદ આરોપ કર્યા હતા કે થાણે પાલિકાએ ૪૦ ‘આપલા દવાખાના’ ચલાવવાનો કૉન્ટ્રેક્ટ બેંગલુરુ સ્થિત કંપની મેડ ઓન ગો હેલ્થ પ્રાઈવેટ લિમિટેડ કંપનીને આપ્યો હતો, તે કંપનીએ ઑગસ્ટમાં સ્ટાફનો પગાર ચૂકવ્યા વગર અને જગ્યાના માલિકોને ભાડા ચૂકવ્યા વગર સેવા બંધ કરી દીધી હતી. કર્મચારીઓ બેરોજગાર થઈ ગયા હતા. થાણે પાલિકાએ આ કંપનીને ૫૬ લાખ રૂપિયાનો દંડ લાદયો હતો પણ કંપનીએ હજી સુધી ચુકવ્યો નથી.
‘આપલા દવાખાના’ના સ્ટાફ અને સ્થાનિક વિધાનસભ્યની ફરિયાદ બાદ જાગેલા થાણે પાલિકા કમિશનર સૌરભ રાવે ડૉકટર અને કર્મચારીઓનો પગાર તેમ જ ભાડા મેડ ઓન ગો હેલ્થ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના થાણે પાલિકા પાસે જમા રહેલી લગભગ પોણા ત્રણ કરોડ રૂપિયાની બેંક ગૅરેન્ટીમાંથી ચૂકવવામાં આવશે એવું આશ્ર્વાસન આપ્યું હતું.
સોમવારે થાણે પાલિકા પ્રશાસને નાગરિકોને થઈ રહેલી અગવડને ધ્યાનમાં રાખીને થાણે પાલિકા વિસ્તરામાં વધારાના ૧૨ ‘આપલા દવાખાના’ શરૂ કરવાની જાહેરાત કરી હતી. હાલ થાણેમાં ૩૩ પાલિકાના આરોગ્ય કેન્દ્રની સાથે જ કેન્દ્ર સરકારની યોજનામાંથી નાગરી આયુષ્યમાન આરોગ્ય મંદિર યોજના હેઠળ ૪૩ દવાખાના ચાલી રહ્યા છે, આગામી દિવસોમાં નાગરી આયુષ્યમાન આરોગ્ય મંદિર યોજના હેઠળ વધુ ૨૫ દવાખાના નવેમ્બર, ૨૦૨૫ના અંત સુધીમાં શરૂ કરવાનું આયોજન કહોવાનું કહ્યું હતું.



