ડૉક્ટરે લોન ફ્રોડમાં 21 લાખ ગુમાવ્યા: ફાઇનાન્સ કંપનીના માલિક વિરુદ્ધ ગુનો

થાણે: નવી મુંબઈના ડૉક્ટરને ત્રણ કરોડ રૂપિયાની લોન અપાવવાને બહાને 21 લાખની ઠગાઇ આચરીને તેને બોગસ દસ્તાવેજો પધરાવવા બદલ ફાઇનાન્સ કંપનીના માલિક સામે ગુનો નોંધવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
મુંબઈ સ્થિત ફાઇનાન્સ કંપનીના પ્રોપ્રાઇટર ચેતન પંચાલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 318 (4) (છેતરપિંડી) તેમ જ 336 (2) અને 336 (3) (ફોર્જરી) હેઠળ ગુનો નોંધાયો હતો, એમ અધિકારીએ કહ્યું હતું.
ફરિયાદી ડૉક્ટર લોન લેવા માટે પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તે પંચાલના સંપર્કમાં આવ્યો હતો અને તેણે ડૉક્ટરને વિવિધ બૅંકમાંથી ત્રણ કરોડની લોન મેળવી આપવાનો દાવો કર્યો હતો.
આ પણ વાંચો: આઈટી મંત્રાલયે ફ્રોડ લોન એપની જાહેરાતો માટે આપ્યું આ મોટું નિવેદન
દરમિયાન ડૉક્ટર આ માટે કમિશન આપવા તૈયાર થયો હતો અને તેણે પંચાલને 21 લાખ રૂપિયા આપ્યા હતા.
આરોપીએ એક પ્રતિષ્ઠિત બૅંક દ્વારા જારી કરાયેલો લોન મંજૂરીનો પત્ર શૅર કર્યો હતો. આ પત્રની ચકાસણી કરવામાં આવતાં તે બોગસ હોવાનું ડૉક્ટરને જાણવા મળ્યું હતું.
પોતે છેતરાયો હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ ડૉક્ટરે પોલીસનો સંપર્ક સાધીને પંચાલ સામે ફરિયાદ નોંધાવી હતી. આ પ્રકરણે ગુનો દાખલ કરવામાં આવ્યો હોઇ આરોપીની શોધ ચલાવવામાં આવી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઇ)