જમવાના ડબ્બા અને બેગ લાવશો નહીં: ઠાકરે જૂથ દ્વારા અનેક સુવિધા
મુંબઈ: દશેરા નિમિત્તે શિવાજી પાર્ક પર આયોજિત દશેરા રેલીની તૈયારીઓ જોરશોરથી ચાલુ થઈ ગઈ છે. ત્યારે ઠાકરે જૂથ દ્વારા એવી અપીલ કરવામાં આવી છે કે જમવાના ડબ્બા અને બેગો રેલીમાં લાવશો નહીં. તેમણે શિવસૈનિકોને પિક-અપ ડ્રોપની સેવા આપવાની પણ જાહેરાત કરી છે. શિવસૈનિકોને રસ્તા પર ગરદી ન થાય એ માટે રેલવે માર્ગે દશેરા રેલીમાં આવવાની અપીલ કરવામાં આવી છે. રાજ્યના અંતરિયાળ વિસ્તારમાંથી આવી રહેલા કાર્યકર્તાઓને લાવવા-લઈ જવા માટેની જવાબદારી જિલ્લા પ્રમુખોને સોંપવામાં આવી છે. ધારાશિવથી દાદર તુળજા ભવાની સ્પેશ્યલ એક્સપ્રેસ ટ્રેનને શિવસૈનિકો માટે બૂક કરવામાં આવી છે. આવી જ રીતે કોંકણ અને કોલ્હાપુરથી દાદર માટેની વિશેષ ટ્રેનો બૂક કરવામાં આવી છે. મેદાનમાં કોઈપણ બેગ કે સામાન લઈને આવવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
રેલીમાં આવનારા વાહનો માટે સેનાપતિ બાપટ માર્ગ, કામગાર મેદાન, સેનાપતિ બાપટ માર્ગ, માહિમ કોઝવેથી માહિમ જંક્શન, ફાઈવ ગાર્ડન, એડનવાલા રોડ, નાથાલાલ પારેખ માર્ગ, આરએકે રોડ પર વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે કાર જેવા નાના વાહનો માટે ઈન્ડિયા બૂલ ઈન્ટરનેશનલ સેન્ટર, કોહિનૂર વગેરે સ્થળે વ્યવસ્થા કરવામાં આવી છે.
ગરદી એકઠી કરવા માટે શિંદે જૂથ દ્વારા લોકોને વ્યસનાધીન કરવાનો પ્રયાસ
એકનાથ શિંદે અને ઠાકરે જૂથ દ્વારા દશેરા રેલી પહેલાં સામસામે આક્ષેપો પ્રતિઆક્ષેપો ચાલુ થઈ ગયા છે. શિવાજી પાર્કમાં રેલીને મુદ્દે કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ર્ન ઉભો ન થાય એ માટે શિંદે જૂથે પીછેહઠ કરી હોવાનો દાવો શિંદે જૂથે કર્યો હતો, તેના પર ઠાકરે જૂથના નેતા વિનાયક રાઉતે હવે સવાલ ઊપસ્થિત કર્યા છે. તેમણે એવો દાવો કર્યો હતો કે શિંદે જૂથ દ્વારા મેદાન માટે કરેલી અરજી પરથી બધી ગોલમાલ બહાર આવી જવાની શક્યતા હોવાથી અરજી પાછી ખેંચવામાં આવી હતી. આ ઉપરાંત તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે શિંદે જૂથ મેળાવડા માટે લોકોને એકઠા કરવા માટે વ્યસનાધીન બનાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.