બળાત્કાર પીડિતાના બાળકનું દત્તક લીધા પછી ડીએનએ પરીક્ષણ અયોગ્ય: હાઈ કોર્ટ
મુંબઈ: બળાત્કાર પીડિતાના બાળકને દત્તક લીધા પછી એનું ડીએનએ પરીક્ષણ કરવું એ બાળકના હિતમાં નથી એમ બોમ્બે હાઈ કોર્ટે જણાવ્યું છે. ન્યાયમૂર્તિ જી. એ. સનપની ખંડપીઠે ૧૭ વર્ષની કિશોરી પર બળાત્કાર કરી તેને ગર્ભવતી બનાવવાના આરોપીને ૧૦ નવેમ્બરે જામીન આપ્યા હતા. કિશોરીએ બાળકને જન્મ આપ્યો હતો અને એને કોઈ ગોદ લે એ માટે તજવીજ કરી હતી.
પીડિતાએ જન્મ આપેલા બાળકનો ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવ્યો છે કે નહીં એની જાણકારી અદાલતે પોલીસ પાસે માંગી હતી. બાળકને જન્મ આપ્યા પછી એને દત્તક આપવાની પીડિતા કોશિશ કરી રહી હોવાનું પોલીસે ખંડપીઠને જણાવ્યું હતું. હવે બાળકને દત્તક લઈ લેવામાં આવ્યું છે અને સંબંધિત સંસ્થા બાળકને દત્તક લેનારા માતા – પિતાની ઓળખ જાહેર નથી કરતું એમ પણ પોલીસે જણાવ્યું હતું. સંસ્થાના નિર્ણયને અદાલતે યોગ્ય ઠેરવ્યો હતો. હાઈ કોર્ટે જણાવ્યું હતું કે ‘બાળકને દત્તક લેવામાં આવ્યું હોવાથી એનું ડીએનએ પરીક્ષણ બાળકના તેમજ તેના ભાવિના હિતમાં નથી.’ (પીટીઆઈ)