
મુંબઇ: મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં બનેલા બે અલગ અલગ બનાવોમાં ગણેશોત્સવ દરમિયાન વગાડવામાં આવેલા ડીજેના ઘોંઘાટભર્યા અવાજને કારણે અસ્વસ્થતા અનુભવ્યા બાદ બે યુવાનોનું મૃત્યુ થયું હતું. મળી રહેલી માહિતી અનુસાર બંને યુવક ગણપતિ વિસર્જન નિમિત્તે નીકળેલી શોભાયાત્રા જોવા ગયા હતા. મૃત્યુ પામનારા યુવકોમાંથી એક ૩૨ વર્ષના એક યુવક પર તો દસ દિવસ પહેલા જ એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.
ડીજેનો કાન ફાડી નાંખે એટલો મોટો અવાજ આ બંને યુવકોના મૃત્યુનું કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે. મૃતકોમાં તાસગાવ તાલુકાના કવટે મહાંકાળ ખાતે રહેતા શેખર પાવસે (૩૨) અને વાળવા તાલુકાના દુધારી ગામમાં રહેતા પ્રવિણ શિરતોડે (૩૫)નો સમાવેશ થાય છે.
પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર દુધારી ગામમાં રહેતા પ્રવિણ શિરતોડે (૩૫) નો પોતાનો વ્યવસાય છે અને સોમવારે સાંજના સાત વાગ્યે તેઓ કામ પરથી ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે અચાનક જ રસ્તામાં તેમની બાઇક બંધ પડી ગઇ હતી અને જેને કારણે પ્રવીણ બાઇકને ધક્કા મારી તેઓ ઘરે આવ્યો હતો.
ગણપતિ વિસર્જનની શોભાયાત્રામાં જોડાવવાનું હોવાથી પ્રવીણ તરત જ ઘરેથી નીકળીને વિસર્જનની શોભાયાત્રામાં જોડાઈ ગયો હતો.
વિસર્જન દરમિયાન થોડા સમયમાં જ પ્રવીણને અસ્વસ્થતા લાગવા લાગી હતી. મિત્રો સાથે નાચી રહેલ પ્રવીણને ચક્કર આવ્યા હતા અને તે નીચે પડી ગયો હતો. મંડળના કાર્યકર્તાઓ અને તેના મિત્રો તેને ઇસ્લામપૂર ખાતે આવેલી એક ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા, જ્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
બીજી ઘટનાની વાત કરીએ તો બાજુના તાસગાવ તાલુકાના કવઠે- મહાંકાળમાં બની હતી. અહીં શેખર (૩૨) નામના યુવાનનું પણ વિસર્જન વખતે ડીજીનો તીવ્ર અવાજ સહન ન થતા હાર્ટએટેક આવવાને કારણે મોત થયું હતું. દસ જ દિવસ પહેલાં જ શેખરની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.
વિસર્જનની શોભાયાત્રામાં ભાગ લેનાર શેખરને રાત્રે ૧૦ વાગ્યા બાદ અસ્વસ્થા લાગવી લાગી હતી અને તે ઘરે પાછો ફર્યો હતો. જોકે, ઘરે આવતા જ તેને જોરદાર ચક્કર આવ્યા હતા અને છાતીમાં તીવ્ર દુખાવો ઉપડયો હતો. તેને તરત જ નજીકમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પણ હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું.