વેપારીઓ અને ગ્રાહકો માટે દિવાળીની ભેટ: વિરેન શાહ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લગભગ 90 વસ્તુઓ પરના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)માં ઘટાડો કરવામાં આવ્યો છે – જે ખરેખર વેપારીઓ અને ગ્રાહકો બંને માટે દિવાળીની મોટી ભેટ છે. આ તહેવારોની મોસમમાં વધુ જોશ જોવા મળશે. મધ્યમ વર્ગ અને નીચલા મધ્યમ વર્ગના પરિવારોની ખરીદી ક્ષમતા વધતાં તેઓ ખરીદી માટે બહાર નીકળે એવી શક્યતા છે, એમ છૂટક વેપારીઓના સંઘના અધ્યક્ષ વિરેન શાહે જણાવ્યું હતું.
ફેડરેશન ઓફ રિટેલ ટ્રેડર્સ વેલ્ફેર એસોસિયેશનના પ્રમુખ વિરેન શાહે જણાવ્યું હતું કે ઘણી દૈનિક ઉપયોગની ખાદ્ય ચીજો પર હવે શૂન્ય જીએસટી છે, જ્યારે પુસ્તકો, સ્ટેશનરી અને આવશ્યક શાળા/કોલેજના પુરવઠા પર પણ કોઈ જીએસટી નથી. કાર અને ટેલિવિઝન પર જીએસટી ઘટાડવામાં આવ્યો છે અને રૂ. 2,500થી ઓછી કિંમતના વસ્ત્રો પર ફક્ત પાંચ ટકા જીએસટી લાગશે. જીએસટી દર ઓછા થતાં ફૂટવેર પણ વધુ સસ્તા બન્યા છે.
આ પણ વાંચો: હવે લક્ઝરી શોખ મોંઘા પડશે! જાણો કઈ કઈ વસ્તુ પર લાગ્યો 40 ટકા GST
જ્યારે રૂ. 2,500થી વધુ કિંમતના દુલ્હનના વસ્ત્રો જેવી કેટલીક શ્રેણીઓ પર હવે 18 ટકા જીએસટી લાગશે જે પરંપરાગત ઉત્પાદકો અને છૂટક વેપારીઓમાં નિરાશા સમાન છે, એકંદર રાહત ઉત્સવની રોનક વધારશે. આ વર્ષની દિવાળી ગયા વર્ષની સરખામણીમાં ઘણી વધુ ગતિશીલ ખરીદીની મોસમ બનવાની તૈયારીમાં છે, એમ પણ તેમણે કહ્યું હતું.