મુંબઈથી ઉત્તર ભારતીયોના વતન જવાનો ધસારો, હજારો ટ્રેન દોડાવવા છતાં પ્રવાસીઓને રાહત નહીં, જાણો રેલવે શું કહે છે? | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મુંબઈથી ઉત્તર ભારતીયોના વતન જવાનો ધસારો, હજારો ટ્રેન દોડાવવા છતાં પ્રવાસીઓને રાહત નહીં, જાણો રેલવે શું કહે છે?

મુંબઈઃ દર વર્ષના માફક આ વર્ષે લાખો પ્રવાસીઓ વતન જવા માટે વાટ પકડી છે, પરંતુ હજારો લોકો એવા છે જેમને વતન પહોંચવામાં હાલાકી પડી રહી છે. અનેક વીડિયો રેલવેની પોલ ખોલી રહ્યા છે, જેમાં ગયા અઠવાડિયે ટ્રેનમાંથી પડતા ત્રણ પ્રવાસી ઘવાયા હતા. આ બાબતમાં પણ રેલવેએ સ્પષ્ટતા કરી છે, પરંતુ દર વર્ષના માફક આ વર્ષે પણ રેલવેનો પનો ટૂંકો પડે છે એ હકીકત છે. આ વખતે બિહારમાં વિધાનસભાની ચૂંટણી હોવાથી પણ મોટા ભાગના લોકો વતન જઈ રહ્યા છે, જેમાં મુંબઈ (મધ્ય અને પશ્ચિમ) રેલવે નિર્ધારિત ટ્રેનો કરતા વધુ દોડાવવાનો દાવો કરે છે, પણ પર્યાપ્ત નથી. મધ્ય અને પશ્ચિમ રેલવેએ સાથે ભારતીય રેલવેએ કેટલી ટ્રેન દોડાવી છે એ જાણીએ.

પશ્ચિમ રેલવેમાંથી વિવિધ રાજ્યમાં ખાસ ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ સહિત અન્ય રાજ્ય માટે 2,400થી વધુ ટ્રિપ દોડાવવાની યોજના હતી, જેમાંથી રોજની 80 સ્પેશિયલ ટ્રિપનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એ જ રીતે મધ્ય રેલવેએ પ્રવાસીઓની ભીડને ધ્યાનમાં રાખીને રેલવેએ આ વર્ષે 1998 ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે, જેમાં 30 લાખ ઉત્તર ભારતીય ટ્રાવેલ કરી શકે છે. મધ્ય રેલવેના મુંબઈ, પુણે, નાગપુર ડિવિઝનમાંથી કૂલ મળીને અત્યાર સુધીમાં 700થી વધુ ટ્રેન દોડાવવામાં આવી છે, જેનાથી દસ લાખથી વધુ પ્રવાસીએ ટ્રાવેલ કરીને મૂળ મુકામ પહોંચ્યા હોવાનો દાવો કર્યો છે.

આ પણ વાંચો: ટ્રેનોમાં પ્રવાસીઓની ભારે ભીડઃ કર્મભૂમિ એક્સપ્રેસમાંથી પડતા 2 પ્રવાસીનાં મોત

ભારતીય રેલવે સામાન્ય રીતે દિવાળી – છઠ્ઠ પૂજા નિમિત્તે આશરે 12,000થી વધુ ટ્રેન દોડાવે છે, જેમાં મધ્ય રેલવેમાંથી આશરે 1998 ટ્રેનનો સમાવેશ થાય છે, જેમાં રિઝર્વેશન અને નોન-રિઝર્વેશન ટ્રેનનો સમાવેશ થાય છે. મધ્ય રેલવે દ્વારા બિહાર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશ વગેરે રાજ્યમાં ટ્રેન દોડાવી છે. મુંબઈથી 600થી વધુ ટ્રેન દોડાવવામાં આવી છે. ઉત્તર અને પૂર્વ ભારતમાં જતા કૂલ પ્રવાસીમાંથી 58 ટકાથી વધુ યુપી અને બિહારના હોય છે, જેમાં મોટા ભાગના મુંબઈ, પુણે અને નાગપુરથી મુસાફરી કરે છે. ઉપરાંત, રાજસ્થાન, દિલ્હી જનારાની પણ મોટી સંખ્યા હોય છે, જેની સંખ્યા પ્રમાણે આયોજન કરવામાં આવે છે.

મધ્ય રેલવેના વિવિધ ડિવિઝનમાંથી રોજ 100 રેગ્યુલર અને આઠથી દસ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવે છે. 26મી ઓક્ટોબરથી રોજ 24 ટ્રેન દોડાવવામાં આવે છે, જ્યારે બિહાર માટે વિશેષ 22 ટ્રેન દોડાવવામાં આવશે. પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે રેલવેએ પ્રવાસીઓ માટે સ્પેશિયલ રેસ્ટ રુમ તૈયાર કરવામાં આવ્યા છે, સીએસએમટીમાં 1,500 પ્રવાસી બેસી શકે તેમ જ એલટીટીમાં 10,000થી વધુ પ્રવાસીને સમાવી શકાય એવી વ્યવસ્થા કરી છે, એમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: કાનપુરમાં ફેસ્ટિવલ ટ્રેન પર પથ્થરમારો: RPF એક્શનમાં, છ અજાણ્યા લોકો સામે નોંધાયો ગુનો

આ મુદ્દે રેલવે પ્રવાસી સંગઠને જણાવ્યું હતું કે રેલવે ગમે તેટલા દાવા કરે પણ સ્પેશિયલ ટ્રેન હોય કે હોલિડે સ્પેશિયલ ટ્રેનમાં રિઝર્વેશન મળતું નથી. જનરલ કોચમાં ટ્રાવેલ કરવાનું એટલે જાણે કે નરકમાં ટ્રાવેલ કરવા બરાબર છે. તહેવારોમાં દર વર્ષે પ્રવાસીઓને ટ્રાવેલ કરવામાં હાલાકી પડે છે, જેમાં ગમે તેટલા આયોજન કરવામાં આવે, પરંતુ ટ્રેન કરતા પ્રવાસીઓની સંખ્યા વધારે હોવાથી મુશ્કેલી અપાર પડે છે એ હકીકત છે. રેલવે તહેવારોમાં સમ ખાવા પૂરતા પ્લેટફોર્મ ટિકિટ વેચવાનું બંધ કરી દે છે, પણ જ્યાં પબ્લિક જમા થાય છે એને કોઈ રોકી શકતું નથી. લાખોની સંખ્યા સામે હજારો ટ્રેન દોડાવે પણ એ પર્યાપ્ત નથી.

Kshitij Nayak

વરિષ્ઠ પત્રકાર બિઝનેસ, રાજકીય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિવિધ પૂર્તિ તેમ જ સિટી ડેસ્કના ઈન્ચાર્જ સહિતની જવાબદારીઓ બજાવી ચૂક્યા છે. પત્રકારત્વ ક્ષેત્રે 20 વર્ષનો અનુભવ ધરાવે છે. દરેક વિષયો પર સારી એવી પકડ ધરાવે છે. More »

સંબંધિત લેખો

Back to top button