મહાવિકાસ આઘાડીમાં બેઠકોની વહેંચણી નક્કી | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મહાવિકાસ આઘાડીમાં બેઠકોની વહેંચણી નક્કી

મુંબઈ: લોકસભાની ચૂંટણી માટે મહાવિકાસ આઘાડી દ્વારા બેઠકોની વહેંચણી નક્કી થઇ ગઇ હોવાના અહેવાલ મળ્યા છે. ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના, કૉંગ્રેસ અને શરદ પવાર જૂથની એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ) દ્વારા કઇ અને કેટલી બેઠકો ઉપર કોણ લડશે તે નક્કી થઇ ગયું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

મળેલી માહિતી મુજબ ઉદ્ધવ ઠાકરેની શિવસેના મહારાષ્ટ્રમાં સૌથી વધુ બેઠકો ઉપર પોતાના ઉમેદવાર ઊભા કરશે. એકવીસ બેઠકો ઉપરથી શિવસેનાના ઉમેદવાર ઊભા કરવામાં આવે, તેવી શક્યતા છે.

મહાવિકાસ આઘાડીના અન્ય સાથી પક્ષ કૉંગ્રેસ પંદર બેઠકો ઉપર અને શરદ પવાર જૂથના ઉમેદવારો નવ બેઠકો ઉપરથી ચૂંટણી લડશે, તેવી માહિતી મળી છે. જ્યારે પ્રકાશ આંબેડકરની બહુજન વંચિત આઘાડી બે બેઠકો અને રાજૂ શેટ્ટીની પાર્ટી એક બેઠક ઉપરથી ચૂંટણી લડશે, તેવા અહેવાલ છે.

૨૯ ફેબ્રુઆરીના રોજ શરદ પવારના મુંબઈ ખાતે આવેલા નિવાસસ્થાને બધા જ પક્ષના અગ્રણીઓની બેઠક યોજવામાં આવી હતી, જેમાં બેઠકોની વહેંચણી અંગે અંતિમ ફેંસલો લેવામાં આવ્યો હતો.
મહાવિકાસ આઘાડીના પક્ષો કેટલી બેઠકો ઉપરથી ચૂંટણી લડવાના છે, તે નક્કી થઇ ગયું હોવાના અહેવાલ છે ત્યારે હજી સુધી મહાયુતિના ઘટક પક્ષો કેટલી બેઠકો ઉપરથી લડશે, તેની રાહ જોવાઇ રહી છે.

Back to top button