મિલિંદ દેવરાને કારણે ભાજપમાં અસંતોષ!
ભાજપ ગુજરાતી-મારવાડી નેતાઓની નારાજગી મતદાનમાં જોવા મળશે?
(વિપુલ વૈદ્ય)
મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં મિલિંદ દેવરાના શિંદે જૂથમાં પ્રવેશને કારણે એક નવો અધ્યાય શરૂ થયો છે અને દક્ષિણ મુંબઈ મતદારસંઘના જ નહીં, આખા મુંબઈના ગુજરાતી-મારવાડી નેતાઓમાં અત્યારે નારાજગી પ્રવર્તી રહી છે. બીજી તરફ કૉંગ્રેસના ગુજરાતી-મારવાડી નેતાઓમાં અત્યારે ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ભાજપના નિષ્ઠાવંત નેતાઓ અને મતદારો આ બાબતથી નારાજ છે અને બીજી તરફ કૉંગ્રેસના નેતાઓને દેવરાની વિદાયમાં પોતાના માટે તક જોવા મળી રહી છે.
દક્ષિણ મુંબઈ મતદારસંઘનું પાંચ દાયકાથી દેવરા પરિવાર પ્રતિનિધિત્વ કરી રહ્યો હતો અને તેને કારણે આખા મુંબઈમાં અન્ય કોઈ મતદારસંઘમાંથી ગુજરાતી-મારવાડી ઉમેદવારોને તક મળતી નહોતી. પ્રાદેશિક સમતુલા જાળવવાના કૉંગ્રેસના વલણને કારણે અનેક ગુજરાતી મારવાડી નેતાઓને આગળ વધવાની તક મળતી નહોતી. હવે દેવરાએ કૉંગ્રેસ છોડી દીધું હોવાથી કેટલાક ગુજરાતી નેતાઓ કેન્દ્રીય મોવડી મંડળને મળીને શહેરના અન્ય વિસ્તારમાંથી ગુજરાતી ઉમેદવાર ઊભા રાખીને મતદારોને આકર્ષવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. અત્યારે આ ગુજરાતી નેતાઓનો પ્રસ્તાવ કેન્દ્રીય મોવડીમંડળ પાસે છે ત્યારે તેના પર કેવો નિર્ણય લેવામાં આવે છે તે જોવાનું રહેશે.
બીજી તરફ પાંચ દાયકાથી દેવરા પરિવાર સામે સતત મોરચો માંડનારા ભાજપના ગુજરાતી-મારવાડી નેતાઓ દેવરાના સાથી પક્ષ શિંદે-સેનામાં આગમનથી વ્યથિત થઈ ગયા છે. હતાશા અને નિરાશામાં ગરકાવ થઈ ગયેલા આ રાજકીય નેતાઓ અત્યારે લોકસભાની ચૂંટણીથી દૂર રહેવાનો વિચાર કરી રહ્યા છે. આ બાબતની અસર ભાજપના દક્ષિણ મુંબઈ જ નહીં, આખા શહેરના ગુજરાતી અને ખાસ કરીને મારવાડી મતદારોમાં જોવા મળી રહી છે.
અત્યારે શહેરના ગુજરાતી મારવાડી મતદારોમાં મતદાનનો બહિષ્કાર કરવાનો અથવા તો મતદાન વખતે મુંબઈ બહાર જતા રહેવાનો વિચાર ચાલી રહ્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. દક્ષિણ મુંબઈમાં એક સમયે જયવંતીબહેન મહેતાનો દબદબો હતો ત્યારે ગુજરાતી મતદારો ભાજપ સાથે જોડાયેલા હતા અને જે દેવરાના આવ્યા પછી ભાજપને ફટકો પડ્યો હતો તે જ દેવરાને જો આ મતદારસંઘમાંથી ફરી ઉમેદવારી આપવામાં આવે તો આડકતરી રીતે ભાજપના નિષ્ઠાવંતો પર દેવરાને લાદવા જેવી વાત થશે. પાંચ દાયકા જેમનો વિરોધ કર્યો તેમનો પ્રચાર હવે કેવી રીતે કરવો એવું મોટું ધર્મસંકટ ભાજપના ગુજરાતી નેતાઓ અને કાર્યકર્તાઓને માથે તોળાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપને ગુજરાતી મતદારોની નારાજગીનો સામનો કરવો પડે એવી શક્યતા જોવાઈ રહી છે.
આ સ્થિતિને ટાળવા માટે ભાજપના મોવડીમંડળ પાસે એક પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે કે દક્ષિણ મુંબઈની લોકસભાની બેઠક પરથી ભાજપના નિષ્ઠાવંતને ઉમેદવારી આપવામાં આવે અને મિલિંદ દેવરાને આગામી વર્ષે જ ખાલી પડી રહેલી રાજ્યસભાની છમાંથી એક બેઠક પર ઉમેદવારી આપવામાં આવે. આવું થાય તો કદાચ ભાજપ ગુજરાતી-મારવાડી મતદારોને જાળવી રાખવામાં સફળ થઈ શકે છે. હવે આગામી દિવસોમાં શું થાય છે તે અત્યારે જોવાનું રહેશે.