શિવસેના વિધાનસભ્યોની અપાત્રતા: શિંદે જૂથની માંગણી રાહુલ નાર્વેકરે સ્વીકારી, હવે બે અઠવાડિયા પછી સુનાવણી..

મુંબઈઃ સુપ્રીમ કોર્ટે શિવસેનાના વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવવાનો અધિકાર વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને સોંપ્યો છે. તદનુસાર, તેમણે શિવસેનાના તમામ વિધાનસભ્યોને નોટિસ પાઠવી હતી અને તેમને તેમની બાજુ રજૂ કરવા સૂચના આપી હતી. શિવસેનાના બંધારણનો અભ્યાસ કર્યા બાદ વિધાનસભાના અધ્યક્ષે આજે (ગુરુવારે ) આ મામલામાં સુનાવણી હાથ ધરી હતી. આ સુનાવણીમાં બંને જૂથોને એકબીજાના દસ્તાવેજો ઉપલબ્ધ કરાવવા માટે બે અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે.
સુનાવણી આજે (ગુરુવારે) બપોરે બાર વાગ્યે શરૂ થઈ હતી. સુનાવણીની પ્રક્રિયા વિધાનસભાના સેન્ટ્રલ હોલમાં હાથ ધરવામાં આવી હતી. શિંદે જૂથના વકીલ અનિલ સિંહે માગણી કરી કે અમને શિવસેના ઠાકરે જૂથના નેતા સુનીલ પ્રભુ દ્વારા દાખલ કરાયેલા દસ્તાવેજો મળે. આ માંગણી મુજબ હવે બંને જૂથોને બે સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે.
શિંદે જૂથના ધારાસભ્યોને તેમના લેખિત જવાબ રજૂ કરવા માટે એક્સ્ટેન્શન આપવામાં આવ્યું છે. શિંદે જૂથની આ મહત્વની માંગ પૂરી કરવામાં આવી છે. તેમજ બંને જૂથને એકબીજાના દસ્તાવેજો મેળવવા માટે બે સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે. વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે આ એક્સટેન્શન આપ્યું છે.
રાહુલ નાર્વેકરે શિવસેના શિંદે જૂથના 40 અને ઠાકરે જૂથના 14 ધારાસભ્યોને સુનાવણી માટે હાજર રહેવા માટે સમન્સ પાઠવ્યું હતું. શિવસેના ઠાકરે જૂથના 14 ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષને 500 પાનાનું લેખિત નિવેદન આપ્યું છે.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ દેવદત્ત કામત અને વકીલ અસીમ સરોદેએ ઠાકરે જૂથ તરફથી દલીલો કરી હતી, જ્યારે શિંદે જૂથ તરફથી વકીલ અનિલ સિંહે દલીલ કરી હતી. વિધાનસભા અધ્યક્ષ દ્વારા 34 જેટલી અરજીઓ પર સુનાવણી થવાની છે. દરેક અરજી પર અલગથી સુનાવણી કરવામાં આવશે. જોકે, અધ્યક્ષે હવે લેખિત જવાબ દાખલ કરવા અને દસ્તાવેજો ઉપલબ્ધ કરાવવા માટે બે અઠવાડિયાનો સમય આપ્યો છે. જેના કારણે હવે આખરી સુનાવણી ક્યારે થશે તે અંગે અનિશ્ચિતતા છે.