પીઓપીની મોટી મૂર્તિઓનું વિસર્જન: બીએમસી હજી મૂંઝવણમાં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગણેશોત્સવ માટે પ્લાસ્ટર ઓફ પૅરિસની મૂર્તિ બનાવવાની મંજૂરી મળી ગઈ છે અને પીઓપીની મૂર્તિનું વિર્સજન કૃત્રિમ તળાવમાં કરવા સંદર્ભમાં હાઈ કોર્ટે નિર્દેશ આપ્યો છે પણ ૧૨ ફૂટથી વધુ ઊંચાઈની પીઓપીની મૂર્તિના વિસર્જન કૃત્રિમ તળાવમાં કરવાને મુદ્દે પાલિકા હજી પણ મૂંઝવણમાં છે. ૨૪ જુલાઈ, ૨૦૨૫ના હાઈ કોર્ટમાં થનારી આગામી સુનાવણીમાં શું ચુકાદો આવે છે ત્યારબાદ જ પાલિકા વિસર્જનને લગતા આગળની યોજના બનાવશે એવું પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.
બોમ્બે હાઈ કોર્ટે પીઓપીની મૂર્તિ પરનો પ્રતિબંધ હટાવવાની સાથે જ તેનું વિસર્જન નૈસર્ગિક જળસ્રોતને બદલે કૃત્રિમ તળાવમાં કરવાનો નિર્દેશ આપ્યો છે. સાર્વજનિક ગણેશ સમન્વય સમિતિ કૃત્રિમ તળાવમાં મોટી મૂર્તિના વિસર્જનને લઈને પહેલા જ ચિંતા વ્યક્ત કરી ચૂકી છે તો ગણેશમંડળો પણ મોટી મૂર્તિના વિસર્જનને લઈને ફેરવિચાર કરવાની માગણી કરી રહ્યા છે.
ગણેશોત્સવ નજીક છે તેથી પાલિકા પણ તેની તૈયારીમાં લાગી ગઈ છે પણ મોટી મૂર્તિઓના વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવા બાબતે પાલિકા મૂંઝવણમાં છે. આગામી ૨૪ જુલાઈના થનારી સુનાવણીમાં કોર્ટ આ બાબતે કોઈ ચોક્કસ નિર્ણય આપશે એવું માનવામાં આવે છે. તેથી આ સુનાવણી બાદ જ પાલિકા કૃત્રિમ તળાવ બનાવવા કે નહીં તેનો નિર્ણય લઈ શકશે એવું પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.
આ દરમ્યાન ગણેશોત્સવ નજીક હોઈ તહેવારની ઉજવણી દરમ્યાન અકસ્માતો થતા અટકાવવા, મોટા પ્રમાણમાં ઊમટતી ભીડને નિયંત્રણમાં રાખવા પાલિકા સાર્વજનિક ગણેશોત્સવ મંડળોના સ્વયંસેવકો માટે એક દિવસીય ટ્રેનિંગ વર્કશોપનું આયોજન કરવાની છેે. સેફટી ગાઈડલાઈનનું પાલન અને સુવ્યવસ્થિત રીતે ગણેશોત્સવની ઉજવણી કરવામાં આ વર્કશોપમાં આપવામાં આવનારી તાલીમ મદદરૂપ થઈ રહેશે એવો દાવો પાલિકાએ કર્યો છે. આ માટે વોર્ડ સ્તરે સાર્વજનિક ગણેશોત્સવ મંડળ સાથે સમન્વય સાધશે.
આ વર્ષે ગણેશોત્સવ ૨૭ ઑગસ્ટથી છ સપ્ટેમ્બર સુધી ઉજવવામાં આવશે. બૃહનમુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિ અનુસાર મુંબઈમાં ૧૨,૦૦૦ સાર્વજનિક મંડળો અને ૫૦,૦૦૦થી વધુ ઘરમાં ગણેશમૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. આ સમયગાળા દરમ્યાન લાખો ભક્તો અને પર્યટકો મુંબઈમાં આવતા હોય છે, તેને કારણે સાર્વજનિક મંડળોમાં ભારે ભીડ થતી હોય છે. આવા સમયે ભીડ કેવી રીતે સંભાળવી અને કોઈ પણ દુર્ઘટના ઘટે નહીં કટોકટીના સમયમાં સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને શું પગલાં લેવામાં આવે છે તે મહત્ત્વનું હોય છે.
દરેક સાર્વજનિક મંડળના બે સ્વયંસેવકોને પાલિકા દ્વારા તાલીમ આપવામાં આવશે. આ વર્કશોપમાં કટોકટી એટલે શું? જોખમને કેવી રીતે ઓળખવું? કટોકટી સર્જાય તો શું કરવું? આગ લાગે તો શું કરવું અને પ્રથમોચાર કેવી રીતે કરવો? ભીડને કેવી રીતે નિયંત્રણમાં રાખવી વગેરેની તાલી આપવામાં આવશે, જેમાં સુધરાઈના અધિકારી, ફાયરબ્રિગેડના અધિકારી, પોલીસ અધિકારી, પાલિકા હૉસ્પિટલના મેડિકલ ઓફિસર, બેસ્ટના અધિકારીઓ માગદર્શન આપશે.
ગણેશ મંડળો માટે ‘વન વિન્ડો સિસ્ટમ’
ગણેશોત્સવ દરમ્યાન ગણેશમંડળોને કોઈ પણ જાતની તકલીફ થાય નહીં તે માટે રાજ્ય સરકાર તમામ પ્રકારની મદદ કરશે એવું આશ્ર્વાસન શુક્રવારે રાજ્ય સરકાર તરફથી આપવામાં આવ્યું હતું. શુક્રવારે પાલિકાના ‘ડી’ વોર્ડમાં બૃહનમુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિ સહિત ગણેશમંડળો, બેસ્ટ, પોલીસ સાથે એક બેઠક યોજાઈ હતી. ગણેશોત્સવ દરમ્યાન સુરક્ષાને ધ્યાનમાં રાખીને રસ્તા પર પડી રહેલા બેવારસ અને ગેરકાયદે રીતે પાર્ક કરવામાં આવેલા વાહનોને હટાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. દર વર્ષની માફક આ વર્ષે પણ મંડળોને ‘વન વિન્ડો સિસ્ટમ’ના માધ્યમથી ઓનલાઈન મંજૂરી લેવાની સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવી છે.
દક્ષિણ મુંબઈમાં ગણેશોત્સવમાં સજાવટ
રાજ્ય સરકારે ગણેશોત્સવના તહેવારને રાજ્ય મહોત્સવનો દરજ્જો આપ્યો છે તેથી આ વર્ષથી આ તહેવાર હજી ધૂમધામથી ઊજવવામાં આવે એવી શક્યતા છે. તેમાં હવે મુંબઈ મહાનગરપાલિકા, બેસ્ટ પ્રશાસન અને પોલીસ ડિપાર્ટમેન્ટના સહયોગથી દક્ષિણ મુંબઈના પ્રખ્યાત ગણેશમંડળો આવેલા છે તે વિસ્તાર, તાડદેવ, ગિરગામ, વાલકેશ્ર્વર, ખેતવાડી અને લેમિંગ્ટન રોડમાં વિવિધ પ્રકારની સજાવટની કરવામાં આવવાની છે. તે માટે સ્થાનિક સ્તર પર સમિતિઓ બનાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો…મુંબઈગરાને આ વર્ષે મોટી મૂર્તિ જોવા મળશે ?