આમચી મુંબઈ

દિશા સાલિયન મૃત્યુ પ્રકરણ લક્ષ્ય આદિત્ય

નાગપુર: ગુરુવારથી વિધાનસભાનું અધિવેશન શરૂ થયું અને પહેલે જ દિવસે સાડાત્રણ વર્ષ જૂના મુદ્દાને ફરી એક વાર ચગાવવામાં આવ્યો હતો. ઠાકરે કુટુંબને જ સીધું નિશાન બનાવવામાં આવ્યું હતું. દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયનનું મૃત્યુ પ્રકરણ ફરી એક વાર ચર્ચાનો વિષય બન્યું હતું. આ પ્રકરણે હવે એસઆઈટી તપાસ કરવામાં આવે એવી માહિતી જાણવા મળી હતી.

આ પ્રકરણે ઠાકરે જૂથના નેતા આદિત્ય ઠાકરેની પણ તપાસ કરવામાં આવે એવી માહિતી સામે આવી છે. ભાજપ અને શિંદે જૂથના નેતાઓએ આદિત્ય ઠાકરે પર પ્રહાર કર્યા હતા અને આ પ્રકરણે ઊંડી તપાસની માગણી કરવામાં આવી હતી.

દિશા સાલિયન પ્રકરણે એસઆઈટી તપાસ થશે કે નહીં તેનો નિર્ણય સરકાર લેશે, પણ દિશા સાલિયનના મૃત્યુ પ્રકરણે શંકા ઊભી થઇ છે, તેને સ્પષ્ટ કરવાની જરૂર છે, એવું ભાજપના એક નેતાએ જણાવ્યું હતું. લોકોને જોઇતા સવાલના જવાબ મળવા જોઇએ. જે પ્રકારના પુરાવા સાંપડ્યા છે એ અંગેનું સ્પષ્ટીકરણ પોલીસ ખાતા પાસેથી મળવું જોઇએ. આદિત્ય ઠાકરેએ ખુદ એસઆઈટી તપાસની માગણી કરવી જોઇએ, એવું ભાજપના નેતાએ ઉમેર્યું હતું. દરમિયાન દિશા સાલિયન પ્રકરણે એસઆઈટી તપાસના નિર્ણયનો હું સ્વાગત કરું છું, એવું ભાજપના નેતા પ્રવીણ દરેકરે જણાવ્યું હતું. દિશા સાલિયન પ્રકરણે મૌન કેમ સેવવામાં આવી રહ્યું છે એ અંગેની શંકા લોકોના મનમાં હતી, પણ હવે તે દૂર થશે. આદિત્ય ઠાકરે હવે વૈશ્ર્વિક સ્તરે લોકપ્રિય નેતા બની ગયા છે. તેઓ અધિવેશન ચાલી રહ્યું છે ત્યારે વિદેશમાં છે. તેમની પાસે સામાન્ય લોકોના પ્રશ્ર્નોનો જવાબ દેવા માટે સમય નથી, એવું દરેકરે વધુમાં ઉમેર્યું હતું.

દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે
દિશા સાલિયને આત્મહત્યા કરી હતી કે પછી તેની હત્યા કરવામાં આવી હતી એ પ્રશ્ર્ન હંમેશાં ચર્ચાનો મુદ્દો બની રહ્યો હતો. ઉદ્ધવ ઠાકરે જ્યારે મુખ્ય પ્રધાન હતા ત્યારે સચિન વાજેની શંકાસ્પદ ભૂમિકા હતી. હવે એસઆઈટી તપાસ થવાની હોવાથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. આદિત્ય ઠાકરેએ કંઇ ખોટું કર્યું હશે તો તેને ચોક્કસ મુશ્કેલી થશે, બાકી તેને ગભરાવાની જરૂર નથી, એવું ભાજપે જણાવ્યું હતું.

ગૃહ ખાતા પાસે પુરાવા છે: શિંદે
શિંદે જૂથના નેતા સંજય શિરસાટે આ પ્રકરણે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે દિશા સાલિયન પ્રકરણમાં મને એવું જણાય છે કે આમાં આદિત્ય ઠાકરેની ભૂમિકા છે. રાજ્યના ગૃહ ખાતા પાસે અમુક પુરાવા આવ્યા છે, એવું શિરસાટે જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button