સુધરાઈના નિવૃત અધિકારીને પદ પર ચાલુ રાખવા સામે નારાજગી

નાયબ કમિશનર બાદ આસિસ્ટન્ટ કમિશનરનો પણ વિરોધ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારી સામે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (ડીએમસી) દ્વારા નિવૃત અધિકારી ચંદ્રશેખર ચોરેને તેમના કેડરના જ પદ પર ચાલુ રાખવા સામે સંયુક્ત રીતે વિરોધ કરવામાં આવ્યા બાદ હવે ૨૪માંથી ૨૦ આસિસ્ટન્ટ કમિશનરોએ પણ તેમની નિમણૂકનો ઔપચારિક વિરોધ કર્યો છે.
પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીને લખેલા પત્રમાં આ ઉચ્ચ અધિકારીઓએ એડમિનિસ્ટ્રેશનમાં વધતી જતી અશાંતિ અને અસંતોષ પર પ્રકાશ પાડ્યો છે, જે શહેરના ટોચના અમલદારોમાં કેટલી હદે અસંતોષ છે તે જણાઈ આવ્યું છે.
આસિસ્ટન્ટ કમિશનરોએ કમિશનર ભૂષણ ગગરાણીના લખેલા પત્રમાં ડીએમસી દ્વારા ઉઠાવવામાં આવેલી માગણીને સમર્થન આપ્યું છે કે ડીએમસીની જગ્યા પર આસિસ્ટન્ટ કમિશનર અથવા ડેપ્યુટી કમિશનર કેડરમાંથી ભરવામાં આવે. કેડરના બહારના અધિકારીને ખાલી જગ્યા પર નિમવાને બદલે તે જ કેડરના રેગ્યુલર અધિકારીને બઢતી આપવી જોઈએ.
ચંદ્રશેખર ચોરે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (કમિશનર ઓફિસ) પદથી નિવૃત થયા હતા પણ તેમનો કાર્યકાળ બીજા એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો હતો, જે આવતા મહિને પૂરો થવાનો છે. તેમનો કાર્યકાળ લંબાવી દેવામાં આવતા અનેક વરિષ્ઠ અધિકારીઓ નારાજ થઈ ગયા હતા.
વરિષ્ઠ નાગરિકે જણાવ્યું હતું કે આગામી પાલિકાની ચૂંટણીને કારણે આચારસંહિતા અમલમાં આવશે અને તેને કારણે અન્ય લાયક અધિકારીઓને તેમના પદ પર પ્રમોશન આપવામાં વિલંબ થશે. અધિકારીઓને ચોરે સામે વ્યક્તિગત રીતે વાંધો નથી પણ પ્રમોશનને હકદાર રહેલા અધિકારીને બાજુએ કરીને રિટાયર્ડ થયેલા અધિકારીને પદ આપવું ખોટું છે.
આ પણ વાંચો…નિવૃત અધિકારીને પદ પર ચાલુ રાખવા સામે સુધરાઈના ઉચ્ચ અધિકારીઓમાં અસંતોષ



