આમચી મુંબઈ

વિપક્ષી પાર્ટીમાં સીટ વહેંચણી મુદ્દે મતભેદ: પવારે આપ્યું મહત્ત્વનું નિવેદન

મુંબઈઃ દેશમાં આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી) સામે લડવા માટે કોંગ્રેસની આગેવાની હેઠળ INDIA (ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુસિવ અલાયન્સ) ગઠબંધનનું નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ સીટ વહેંચણી માટે પક્ષોમાં ખેંચતાણ ચાલુ થઈ છે. લોકસભાની ચૂંટણી હજુ તો દૂર છે, પરંતુ હવે પક્ષોમાં બેઠકોની વહેંચણી મુદ્દે પક્ષોમાં બિનજરુરી વિવાદ ચાલુ થયો છે ત્યારે આ મુદ્દે એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના પ્રમુખ શરદ પવારે મહત્ત્વનું નિવેદન આપ્યું છે.

આ મુદ્દે શરદ પવારે કહ્યું હતું કે INDIA ગઠબંધનના પક્ષોની વચ્ચે ખાસ કરીને સીટ વહેંચણી મુદ્દે કોઈ મતભેદ થાય નહીં તેની તકેદારી રાખવામાં આવે. એ વાત સ્પષ્ટ છે કે જે રાજ્યોમાં ચૂંટણી યોજવામાં આવશે, ત્યાં સીટની વહેંચણી મુદ્દે મતભેદ થઈ શકે છે અને આ બાબતને અવગણી શકાય નહીં. પવારે કહ્યું હતું કે રાજકીય પક્ષને રસ ન હોય તેવા રાજ્યોમાં આવા લોકોને મોકલીને પણ મતભેદો ઉકેલી શકાય છે.


હાલના તબક્કે તેની પ્રક્રિયાની શરુઆત થઈ નથી, પરંતુ મુંબઈ પરત ફર્યા પછી કોંગ્રેસ અને અન્ય સાથી પક્ષો સાથે વાતચીત કરવામાં આવશે. આ પ્રક્રિયાને આઠ-દસ દિવસમાં શરુ કરવામાં આવશે તથા વાતચીત કરીને તેનો ઉકેલ લાવવામાં આવશે. ઈન્ડિયા ગઠબંધનમાં બિહારમાં સીટ શેરિંગની ફોર્મ્યુલા પર સહમતિ સાધી શક્યા નથી. નીતીશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવ બિહારની સાથે મળીને સરકાર ચલાવે છે, પરંતુ લોકસભાની ચૂંટણીને લઈ ગઠબંધનમાં સીટને લઈને ઘર્ષણ થઈ રહ્યું છે અને સંમતિ પણ સાધી શક્યા નથી. આ મુદ્દે ચર્ચા-વિચારણા કરીને જ સાથી પક્ષો વચ્ચેના મતભેદોને દૂર કરવામાં આવશે, એમ પવારે જણાવ્યું હતું.


અહીં એ જણાવવાનું કે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ સહિતના વિરોધપક્ષ ભાજપની સામે ચૂંટણી લડવા એકસાથે સંમત થયા છે, જેમાં 26 પક્ષનો સમાવેશ થાય છે. ચૂંટણી લડવા માટે તો એકસાથે સંમત થયા છે, પરંતુ હવે સીટ શેરિંગ મુદ્દે ઘર્ષણ વધ્યું છે. દરેક પક્ષ પોત પોતાની રીતે વિચારશે. બિહારમાં ચિરાગ પાસવાને કહ્યું હતું કે ચૂંટણી જેમ જેમ નજીક આવશે તેમ વિપક્ષી પાર્ટીના ગઠબંધનના રસ્તાઓ અલગ અલગ થઈ જશે. આ અગાઉ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ)ની વચ્ચે પણ મતભેદ ઊભા થયા હોવાનું જાણવા મળ્યું હતું છતાં એ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે સ્પષ્ટતા કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button