વળસે પાટીલે લીધી શરદ પવારની મુલાકાત: દિવાળી શુભેચ્છા કે પછી ફરી રાજકીય ઉથલ-પાથલ?
મુંબઇ: સહકાર પ્રધાન દિલીપ વળસે પાટીલ અચાનક રાષ્ટ્રવાદી કોંગ્રેસના વરિષ્ઠ નેતા શરદ પવારને મળવા ગયા હતાં. તેઓ દિવાળીની શુભેચ્છા આપવા ગયા હતા તેવી જાણકારી મળી રહી છે. જોકે આ મુલાકાત દરમીયાન બંને વચ્ચે શું ચર્ચા થઇ? શું આ ખરેખર આ શુભેચ્છા મુલાકાત હતી કે પછી મહારાષ્ટ્રના રાજકારણમાં વધુ એક ભૂકંપની તૈયારી? તે અંગે રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ વહેતી થઇ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સહકાર પ્રધાન દિલીપ વળસે પાટીલે રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા શરદ પવારની મુલાકાત લીધી હતી. તેઓ દિવાળી નિમેત્તે મળવા ગયા હોતાં તેમ કહેવાઇ રહ્યું છે. જોકે આ માત્ર મુલાકાત નહીં પણ કોઇ ખાસ વિષયની ચર્ચા માટે યોજાયેલી બેઠક હોવાનું ચર્ચાઇ રહ્યું છે. કારણ કે રાષ્ટ્રવાદીમાં ભાગલા પડ્યા બાદ દિલીપ વળસે પાટીલ પહેલીવાર શરદ પવારને મળવા ગયા હતાં. ત્યારે આ મુલાકાત કોઇ નવી રાજકીય ઉથલ-પાથલ તો નહીં લાવે ને? તેની તરફ હાલ બધાનું ધ્યાન છે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં ફૂટ પડ્યા બાદ દિલીપ વળસે પાટીલે અજિત પવારને સાથ આપ્યો હતો. હાલમાં પ્રવર્તમાન સરકારમાં તેઓ સહકાર પ્રધાન છે. શરદ પવારની ખૂબ જ નજીકની વ્યક્તી એવી દિલીપ વળસે પાટીલની રાજકીય ઓળખ છે. ત્યારે શરદ પવારના આ સૈનિકે અજિત પવારનો સાથ આપતાં અનેક ચર્ચાઓ થઇ હતી. જોકે રાષ્ટ્રવાદીમાં ફૂટ પડ્યા બાદ પહેલીવાર બન્યુ છે કે દિલીપ વળસે પાટીલ દિવાળીની શુભેચ્છા આપવા શરદ પવારને મળ્યા છે.