પાલિકાની શાળાને ડાયાટિશ્યનનું માર્ગદર્શન
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓનું આરોગ્ય સ્વસ્થ રહે તે માટે તેમને હવે નિષ્ણાત ડાયાટિશ્યનો પાસેથી આહારને માટે માર્ગદર્શન મળવાનું છે.
મુંબઈ મહાનગરપાલિકાના શિક્ષણ અને આરોગ્ય વિભાગે સંયુક્ત રીતે તેમ જ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાર્ન્ડ ઑથોરિટી ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન પિડિયાટ્રિશન અસોસિયેશનના સહકાર્યથી ‘સંકલ્પ સંપૂર્ણ સ્વાસ્થય’ કાર્યક્રમ અંતર્ગત ૮ થી૧૩ વર્ષના વિદ્યાર્થીઓને આહાર નિષ્ણાત એટલે કે ડાયટિશ્યનો માર્ગદર્શન આપશે.
ગુરુવારે, ૨૩ નવેમ્બર, ૨૦૨૩ના સવારના દસ વાગે ભાયખલામાં શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના ઉદ્ઘાટન બાદ આગામી છ દિવસ પાલિકાની તમામ સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આહાર બાબતે નિષ્ણાતો ટ્રેનિંગ આપશે. ૨૪ નવેમ્બરના પાલિકાના એ,બી,સી, ડી અને ઈ વોર્ડ વિદ્યાર્થીઓને અને ૨૮ નવેમ્બરના જી-ઉત્તર અને જી-દક્ષિણ વોર્ડના વિદ્યાર્થી અનેે શિક્ષકોને માર્ગદર્શન આપવામાં આવશે. ૩૦ નવેમ્બરના એફ-દક્ષિણ અને એફ-ઉત્તર વોર્ડના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પણ માગદર્શન આપવામાં આવશે.
પાલિકાના લગભગ ૬૦૦ વિદ્યાર્થી અને ૫૦ શિક્ષકોને આ ટ્રેનિંગનો લાભ મળશે. તો પાલિકાની અન્ય વિસ્તારમાં આવેલી સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને આ કાર્યક્રમની યૂટ્યૂબ લિંગ દ્વારા ઓનલાઈનના માધ્યમથી ટ્રેનિંગનો લાભ મળશે.
પાલિકાની ૪૫૦ સ્કૂલની બિલ્ડિંગમાં ૧,૧૫૦ સ્કૂલમાં વર્ચ્યુલ ક્લાસરૂમ તેમ જ ડિજિટલ ક્લાસરૂમના મધ્યથી આ કાર્યક્રમનું લાઈવટેલિકાસ્ટનો પણ લાભ વિદ્યાર્થી અને શિક્ષકોને મળશે.