ગેટવે ઓફ ઇન્ડિયા ખાતે દરિયામાં ઝંપલાવી હીરાવેપારીની આત્મહત્યા
વ્યવસાયમાં નુકસાન થતું હોવાથી તેઓ તાણ હેઠળ હતા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઘાટકોપરના વેપારીએ બાંદ્રા-વરલી સી લિંક પરથી કૂદકો મારી આત્મહત્યા કર્યાની ઘટનાને ચાર દિવસ વીત્યાં છે ત્યારે 65 વર્ષના હીરાવેપારીએ ગેટવે ઓફ ઇન્ડિયા ખાતે દરિયામાં ઝંપલાવી જીવનનો અંત આણ્યો હતો. હીરાના વ્યવસાયમાં છેલ્લાં બે-ત્રણ વર્ષથી નુકસાન થતું હોવાથી વેપારી તાણ હેઠળ હતા અને તેમણે ગેટવે ઓફ ઇન્ડિયા આવતાં પહેલાં ટેક્સીમાં વરલી સી લિંકના ત્રણ રાઉન્ડ માર્યા હતા, એવું પોલીસે જણાવ્યું હતું.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર રવિવારે સવારના 9થી 9.30 દરમિયાન આ ઘટના બની હતી. મૃતકની ઓળખ સંજય શાંતિલાલ શાહ (65) તરીકે થઇ હોઇ તેઓ ભૂલાભાઇ દેસાઇ રોડ પર મહાલક્ષ્મી મંદિર નજીકના શીલા એપાર્ટમેન્ટમાં રહેતા હતા. સંજય શાહ રવિવારે સવારે મોર્નિંગ વૉક માટે જઇ રહ્યાનું કહીંને ઘરેથી નીકળ્યા હતા. તેઓ ટેક્સી પકડીને પ્રથમ વરલી સી લિંક પર ગયા હતા. સી લિંકના ત્રણ રાઉન્ડ માર્યા બાદ તેઓ ગેટવે ઓફ ઇન્ડિયા ખાતે આવ્યા હતા અને બાદમાં હોટેલ તાજ નજીકથી દરિયામાં ઝંપલાવ્યું હતું.
દરમિયાન કોઇ વ્યક્તિએ દરિયામાં ઝંપલાવ્યું હોવાનું જણાતાં પોલીસ ક્ધટ્રોલ રૂમને તેની માહિતી આપવામાં આવી હતી. આથી કોલાબા પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમ જ અગ્નિશમન દળના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સંજય શાહને બહાર કાઢ્યા બાદ તેમને તાત્કાલિક સેન્ટ જ્યોર્જ હોસ્પિટલમાં લઇ જવાયા હતા, જ્યાં ડોક્ટરોએ તપાસીને તેમને મૃત જાહેર કર્યા હતા. સંજય શાહના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા બાદ કોલાબા પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કરી તપાસ આદરી હતી.
આ પણ વાંચો : ઘાટકોપરના વેપારીની સી-લિંક પરથી કૂદકો મારી આત્મહત્યા
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર સંજય શાહનો હીરાનો વ્યવસાય છે અને છેલ્લાં બે-ત્રણ વર્ષથી તેમને વ્યવસાયમાં નુકસાન થઇ રહ્યું હતું. આને કારણે તેઓ તાણ હેઠળ હતા, એવું તપાસમાં જણાયું હતું. વ્યવસાયમાં નુકસાનને કારણે તેમણે તાણ હેઠળ તેમણે અંતિમ પગલું ભયુર્ર્ં હોવાનું પોલીસને લાગી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઘાટકોપરના વેપારી ભાવેશ શેઠે બુધવારે બપોરે બાંદ્રા-વરલી સી લિંક પરથી કૂદકો મારીને આત્મહત્યા કરી હતી. અંતિમ પગલું ભરવા અગાઉ તેમણે પુત્રને વીડિયો કૉલ કર્યો હતો અને સ્યુસાઇડ બાબતે જાણ કરી હતી.