આમચી મુંબઈ

ચાર ડાયમંડ કંપનીને 5.13 કરોડનો ચૂનો ચોપડી હીરાવેપારી રફુચક્કર…

મુંબઈ: બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ સ્થિત ચાર ડાયમંડ કંપનીને અંદાજે 5.13 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડી હીરાવેપારી ફરાર થઈ ગયો હતો. હીરાવેપારીઓને વેચી આપવાને બહાને ક્રેડિટ પર ડાયમંડ લઈને રફુચક્કર થઈ ગયેલા આરોપીની પોલીસ શોધ ચલાવી રહી છે. બીકેસી પોલીસના જણાવ્યા મુજબ ચારમાંથી એક ભારત ડાયમંડ બુર્સમાં આવેલી કંપનીના સેલ્સ મૅનેજર આશિષ ગોધાણીની ફરિયાદને આધારે ચિરાગ પટેલ વિરુદ્ધ ગુરુવારે ગુનો નોંધવામાં આવ્યો હતો. ફરિયાદમાં જણાવાયું હતું કે એક હીરાદલાલ મારફત પટેલ ગોધાણીને મળ્યો હતો.

પૉલિશ્ડ ડાયમંડ્સ ખરીદવા ઇચ્છુક વેપારીઓ પોતાની પાસે હોવાનું પટેલે ગોધાણીને કહ્યું હતું. છેલ્લાં સાત વર્ષની ગોધાણી પટેલને ઓળખે છે. એ સિવાય તેની ઓળખાણ કરાવનારા હીરાદલાલ સાથે પણ 10 વર્ષથી ઓળખ હોવાથી તેમની સાથે અગાઉ અનેક વાર વ્યવહાર કર્યા છે.

ગોદાણીની કંપની પાસેથી હીરા વેચવાને બહાને પટેલે લીધા હતા. બાદમાં પટેલે ગોધાણીને કહ્યું હતું કે તેણે ગ્રાહકોને હીરા બતાવ્યા છે અને ટૂંક સમયમાં જ સોદો પૂર્ણ થશે. જોકે પછી તેણે પોતાનો મોબાઈલ સ્વિચ ઑફ્ફ કરી નાખ્યો હતો. પટેલનો સંપર્ક ન થતાં ગોધાણીએ ભારત ડાયમંડ બુર્સમાં તપાસ કરતાં પટેલે અન્ય ત્રણ કંપની પાસેથી પણ હીરા લઈને નાણાં ચૂકવ્યાં ન હોવાનું જાણવા મળ્યું હતું.

બીકેસી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે 28 માર્ચથી 25 એપ્રિલ દરમિયાન ચિરાગ પટેલે વિશ્ર્વાસ સંપાદન કરીને ચાર હીરાવેપારી પાસેથી 5.13 કરોડ રૂપિયાના હીરા લીધા હતા. આ પ્રકરણે પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(5) અને 318(4) હેઠળ ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button