જૂહુના હીરાદલાલ વિરુદ્ધ 8.69 કરોડની છેતરપિંડીનો બીજો ગુનો નોંધાયો
મુંબઈ: હીરાવેપારી સાથે 8.69 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડીનો મામલો સામે આવતાં બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) પોલીસે જૂહુમાં રહેતા હીરાદલાલ મેહુલ ઝવેરી (45) વિરુદ્ધ મંગળવારે બીજો ગુનો નોંધ્યો હતો.
ઝવેરી અને તેના બે સાથી આ જ પ્રકારે ઠગાઈ કરવાના એક કેસમાં પોલીસ કસ્ટડીમાં છે. 14 ફેબ્રુઆરીએ નોંધાયેલા એ કેસમાં અન્ય એક હીરાવેપારી સાથે 7.5 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી.
એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ આરોપી ઝવેરીએ 20થી વધુ હીરાવેપારીને ચૂનો ચોપડ્યો હોવાનું તપાસમાં જણાયું હતું. અગાઉના કેસમાં કસ્ટડી પૂરી થયા પછી ઝવેરીને હાલમાં નોંધાયેલા બીજા કેસમાં કસ્ટડીમાં લેવામાં આવશે. છેતરપિંડીથી પડાવેલી રકમ અને હીરા આરોપી પાસેથી હસ્તગત કરવા સંબંધી તપાસ ચાલી રહી છે.
પોલીસ ફરિયાદ અનુસાર બીકેસી સ્થિત ભારત ડાયમંડ બુર્સના હીરાવેપારી આનંદ શાહ (47)ની ઓળખાણ ઝવેરી સાથે 2010માં થઈ હતી. ઝવેરી ગ્રાહકોને લઈને સમયાંતરે શાહની ઑફિસમાં જતો હતો. શરૂઆતમાં બધા આર્થિક વ્યવહાર નિયમિત રીતે કરીને ઝવેરીએ શાહનો વિશ્ર્વાસ સંપાદન કર્યો હતો.
ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે ઝવેરીએ 16થી 24 જાન્યુઆરી, 2024 દરમિયાન વેપારીઓને વેચવાને બહાને શાહ પાસેથી 8.69 કરોડ રૂપિયાના હીરા લીધા હતા. હીરાની રકમ માગવા પર ઝવેરી ઉડાઉ જવાબ આપતો હતો. બાદમાં ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયાથી તેનો મોબાઈલ ફોન સ્વિચ ઑફ્ફ આવવા લાગ્યો હતો. ફરિયાદીએ અન્ય હીરાવેપારીઓનો સંપર્ક સાધી ઝવેરી અંગે પૂછપરછ કરી હતી. અન્ય વેપારીઓને પણ તેણે નાણાં ચૂકવ્યાં ન હોવાનું જાણવા મળ્યું હતું. આખરે છેતરાયેલા વેપારીઓએ બીકેસી પોલીસનો સંપર્ક સાધ્યો હતો.