ધારાવી પ્રોજેક્ટ એમવીએની સરકાર વખતે ટેન્ડરને આખરી ઓપ અપાયોે: અદાણી જૂથ
મુંબઈ: ધારાવી પ્રોજેક્ટ અદાણી ગ્રુપને આપવામાં આવ્યો ત્યારથી વિપક્ષો દ્વારા તેનો વિરોધ કરાઇ રહ્યો છે ત્યારે અદાણી ગ્રુપ તરફથી શનિવારે સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ધારાવી ઝૂંપડપટ્ટીના પુન:વિકાસ માટેનો પ્રોજેક્ટ વાજબી, ખુલ્લી અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મક બીડિંગ પ્રક્રિયા દ્વારા અપાયો હતો. મહાવિકાસ આઘાડી (એમવીએ) સરકાર (જેનો કાર્યકાળ જૂન, ૨૦૨૨માં પૂરો થયો હતો.)ના કાર્યકાળ દરમિયાન ટેન્ડરની શરતોને આખરી ઓપ આપવામાં આવ્યો હતો, એવું અદાણી જૂથ દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
એ દુર્ભાગ્યપૂર્ણ છે કે પ્રોજેક્ટનાં અમુક પાસાંઓ વિશે ખોટી માહિતી માટે પ્રચાર કરવાનો નક્કર પ્રયાસ કરવામાં આવ્યો હતો, એવું અખબારી યાદીમાં જણાવીને કહેવામાં આવ્યું હતું કે શિવેસના (યુબીટી)ના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ
શનિવારે ધારાવીના પુન: વિકાસના અધિકારો આપવામાં આવેલા અદાણી જૂથ સામે કૂચનું નેતૃત્વ કર્યું હતું. ધારાવીથી બીકેસી સ્થિત અદાણી ગ્રુપની ઓફિસ સુધી મોરચો કાઢવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર સરકારે જુલાઈમાં ઔપચારિક રીતે ૨૫૯ હેક્ટરનો ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અદાણી જૂથને આપ્યો હતો.
ટેન્ડરપ્રક્રિયા બાદ પ્રોજેક્ટ પ્રાપ્ત કરનારા અદાણી જૂથ માટે કોઇ પણ શરતોને બદલાવવામાં આવી નહોતી. આથી એવો દાવો કરવો ખોટો છે કે આ પ્રોજેક્ટ મેળવનાર કંપનીને કોઇ વિશેષ લાભ આપવામાં આવ્યો હોય, એવું અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું. આ વાતને વારંવાર કહેવામાં આવી છે કે ધારાવીના રહેવાસીઓને એ જ સ્થળે તેમનાં ઘર મળશે. ટેન્ડરની શરતો મુજબ અપાત્ર ટેનામેન્ટધારકોને પણ રેન્ટલ હાઉસિંગ પોલિસી હેઠળ જગ્યા આપવામાં આવશે, એવું યાદીમાં જણાવવામાં આવ્યું હતું. ટેન્ડરની જોગવાઈઓ એ પણ સુનિશ્ર્ચિત કરે છે કે પાત્ર હોય એવા રહેવાસીઓને અન્ય એસઆરએ પ્રોજેક્ટ્સ કરતાં ૧૭ ટકા વધુ વિસ્તાર મળશે.
અમારી સરકાર બિલ્ડર તરફી નહોતી: ઉદ્ધવ ઠાકરે
અમે વિકાસનો વિરોધ નથી કરી રહ્યા, પણ અમે શાસક ભાજપને એ દેખાડવાની હિંમત કરી છે કે તેઓ જેનું નેતૃત્વ કરી રહ્યા છે એ બિલ્ડરતરફી અમારી સરકાર નહોતી, એવું શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ શનિવારે કહ્યું હતું. ભાજપ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને તેમણે નકારી કાઢતાં જણાવ્યું હતું કે પ્રોજેક્ટ માટેના ટેન્ડર તેમના મુખ્ય પ્રધાનપદ દરમિયાન બહાર પાડવામાં આવ્યા હતા. મને એવો એક પણ જીઆર તો બતાવો. ભાજપ દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપો ખોટા છે, એવું તેમણે વધુમાં જણાવ્યું હતું. ઠાકરેએ એવું પણ કહ્યું હતું કે તેમની સરકાર વિશ્ર્વાસઘાતને કારણે પડી હતી, કારણ કે તેઓ બિલ્ડરતરફી નહોતા. હવે એ સમજી શકાય છે કે મારી સરકારને તોડવા માટે કોણે નાણાં પૂરાં પાડ્યાં. શિવસેના આસપાસ હોવાથી ભાજપ તેના મિત્રોને મદદ કરી શક્યું નહીં. આ જ કારણથી મારો પક્ષ તૂટી ગયો અને મારું પ્રતીક ચોરાઇ ગયું, એવું તેમણે કોઇનું પણ નામ લીધા વિના જણાવ્યું હતું.