ધારાવીની ધમાલ: ત્રણ જણની ધરપકડ…
મુંબઈ: ધારાવીમાં નાઇન્ટી ફૂટ રોડ પર આવેલી મસ્જિદના ગેરકાયદે બાંધકામને તોડી પાડવા માટે પાલિકાની ટીમ ત્યાં પહોંચી ત્યારે સેંકડો લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને પથ્થરમારો કરવા સાથે વાહનને નુકસાન પહોંચાડ્યું હતું.
પોલીસે આ પ્રકરણે ગુનો નોંધી ત્રણ જણની ધરપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
સરકારી કર્મચારીઓને ફરજ બજાવતા અટકાવવા, ગેરકાયદે ટોળું જમાવવા અને પથ્થરમારો કરવા બદલ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકાની ટીમ શનિવારે ધારાવીમાં શામિયાના જંકશન, હિમાલયા હોટેલ નજીક આવેલી મસ્જિદના ગેરકાયદે બાંધકામને તોડવા ગઇ હતી. એ સમયે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. લોકોએ પથ્થરમારો કરી વાહનને નુકસાન પહોંચાડ્યું હતું અને કર્મચારીઓને ફરજ બજાવવાથી અટકાવ્યા હતા. એ સિવાય ધારાવી પોલીસ સ્ટેશન બહાર પણ વિરોધ પ્રદર્શન કરાયું હતું.
દરમિયાન ધારાવી પોલીસે આ પ્રકરણે તપાસ આદરી હતી અને સીસીટીવી કેમેરાના ફૂટેજ અને સાક્ષીદારોના નિવેદનને આધારે ધરપકડની કાર્યવાહી કરી હતી. પોલીસે આ પ્રકરણે ત્રણ જણની ધરપકડ કરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.