ધારાવીમાં એલપીજી ‘વિસ્ફોટ’નું કારણ શું, પોલીસ તપાસના ચોંકાવનારા ખુલાસા જાણો?

મુંબઈના ધારાવી વિસ્તારમાં 24 માર્ચે રાત્રે નિસર્ગ ઉદ્યાન પાસે એક જોરદાર એલપીજી વિસ્ફોટની ઘટના બની હતી. આ વિસ્ફોટના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે, જેમાં આગની ભીષણ જ્વાળાઓ અને ધુમાડો જોવા મળ્યા હતા. આગ અને વિસ્ફોટને જોઈને લોકો ચોંકી ગયા હતા. હવે આ ઘટનાની તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.
પોલીસ તપાસ દરમિયાન નો પાર્કિંગ ઝોનમાં તરબેઝ શેખ અને તારિક જબ્બાર શેખના ઈશારે ગેરકાયદેસર રીતે પાર્કિંગ ટેક્સ વસૂલવામાં આવતો હોવાનું અને આ ગેરકાયદે ધંધો ચાલતો હોવાનું બહાર આવ્યું છે.
સોમવારની રાતના શું બન્યું હતું?
ઘટનાના દિવસે સાયન-ધારાવી રોડ પર નો પાર્કિંગ વિસ્તારમાં ટ્રક અને ટેમ્પો ડબલ પાર્કિંગમાં પાર્ક કરવામાં આવ્યા હતા. આ વાહનોમાં વિસ્ફોટક અને જ્વલનશીલ ગેસ સિલિન્ડરો લોડ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત અન્ય વાહનો પણ તે જ જગ્યાએ પાર્ક કરવામાં આવ્યા હતા જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો અને વિસ્ફોટ જેવી ગંભીર ઘટના બની હતી.
પોલીસ તપાસમાં એ પણ જાણવા મળ્યું કે તરબેઝ તારિક શેખ (જેનું સાચું નામ તારિક જબ્બાર શેખ છે) અને તેના સહયોગીઓએ કાર અને ટ્રક ચાલકો પાસેથી તેમના વાહનો ગેરકાયદે પાર્ક કરવા દેવા માટે પૈસા લીધા હતા. આ બેદરકારીના કારણે ગેસ વિસ્ફોટ થયો, જેના કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા અને મોટી માત્રામાં સંપત્તિને નુકસાન થયું.
પોલીસે ગુનેગારો સામે નોંધ્યા કેસ
પોલીસે તમામ સંબંધિત ડ્રાઈવરો, માલિકો અને ગેરકાયદે પાર્કિંગ સાથે સંકળાયેલા લોકો સામે કેસ નોંધ્યો છે. પોલીસ તપાસમાં સ્પષ્ટ થયું કે આ લોકોને સંભવિત ખતરાની અગાઉથી જાણકારી હતી, છતાં તેઓએ જાણી જોઈને આવું કર્યું. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 285, 287, 288 હેઠળ ગુનેગારો સામે કેસ નોંધ્યો છે.
આ પણ વાંચો : ધારાવીમાં ભીષણ આગ લાગતાં ટ્રક બળીને ખાખ…
વિસ્ફોટક સામગ્રીનો બેદરકારીપૂર્વક ઉપયોગ
આ કલમો જાહેર સલામતીને જોખમમાં મૂકવા, આગ અથવા વિસ્ફોટક સામગ્રીનો બેદરકારીપૂર્વક ઉપયોગ અને બેદરકારીપૂર્વક બાંધકામ સંબંધિત છે. બાબુ ગોપાલ પૂજારી, નિનાદ સુરેશ કેલકર, નાગેશ સુભાષ નવલે, વેલુ નાડર, સોનુ ગૌતમ ચારમોહન, અનિલ કુમાર ગુલાબચંદ ગુપ્તા, તરબેઝ તારિક શેખ, તારિક જબ્બર શેખ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. ઘટનાસ્થળે ગેરકાયદે પાર્ક કરેલા અન્ય વાહનો ધારાવીમાં ગેરકાયદે પાર્કિંગ અને ગેરકાયદે પ્રવૃત્તિઓના મોટા નેટવર્ક તરફ નિર્દેશ કરે છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે જેથી સંડોવાયેલા અન્ય લોકોની ઓળખ કરી કડક કાર્યવાહી કરી શકાય.