ધારાશિવમાં સગીરા પર સામૂહિક બળાત્કાર: ચાર યુવકની ધરપકડ, મુખ્ય આરોપી ફરાર
મુંબઈ: બદલાપુરની શાળામાં બે બાળકી સાથે દુષ્કર્મની ઘટનાની પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે ત્યારે મહારાષ્ટ્રના ધારાશિવમાં પંદર વર્ષની સગીરા સાથે સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની શરમજનક ઘટના સામે આવી હતી. પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરીને ચાર નરાધમની ધરપકડ કરી હતી, જ્યારે મુખ્ય આરોપી ફરાર છે.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર શનિવારે બપોરે આ ઘટના બની હતી. સગીરા કરિયાણાની દુકાનમાં ગઇ હતી ત્યારે મુખ્ય આરોપી વિજય ઘાડગે (25) તેને મળ્યો હતો અને તેણે સગીરાને પોતાના ઘરમાં બોલાવી હતી.
આ પણ વાંચો: પુરુષપ્રધાન સમાજની બીમારી છે બળાત્કાર
એ સમયે વિજય ઘાડગેના ઘરમાં અગાઉથી અન્ય ચાર જણ હાજર હતા. એફઆઇઆરને ટાંકીને અધિકારીએ જણાવ્યું હતું કે ઘાડગેએ પ્રથમ સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો અને બાદમાં અન્ય બે જણે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
આ ઘટના બાદ સગીરા પોતાના ઘરે ગઇ હતી અને તેણે પરિવારજનોને તમામ હકીકત જણાવી હતી, જેને પગલે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ પણ વાંચો: લંડનની હોટલમાં એર ઈન્ડિયાની મહિલા ક્રૂ મેમ્બર પર હુમલો, બળાત્કાર થયો હોવાના પણ અહેવાલ
પોલીસે આ ફરિયાદને આધારે ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ) એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને ચાર આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે મુખ્ય આરોપી ઘાડગે ફરાર થઇ ગયો હોવાથી પોલીસ દ્વારા તેની શોધ ચલાવવામાં આવી રહી છે, અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)