આમચી મુંબઈ

કરુણા શર્મા કોણ છે? ધનંજય મુંડે સાથે તેમનો શું સંબંધ છે?

મુંબઈ: બાંદ્રા ફેમિલી કોર્ટે ધનંજય મુંડેને કરુણા શર્માને દર મહિને બે લાખ રૂપિયાનું ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યા પછી કરુણા શર્મા કોણ છે અને ધનંજય મુંડે સાથે તેમનો ચોક્કસ સંબંધ શું છે તે અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે. કરુણા શર્મા નામ સૌપ્રથમ જાન્યુઆરી 2021માં મહારાષ્ટ્રમાં ચર્ચામાં આવ્યું હતું. તે પહેલાં રાજકીય વર્તુળોમાં આ નામની ગુપચુપ ચર્ચા થતી હતી.

મુંબઈમાં એક મહિલાએ ધનજય મુંડે પર બળાત્કારનો આરોપ લગાવ્યા બાદ, મુંડેએ ફેસબુક પર એક પોસ્ટ લખીને કરુણા શર્મા સાથેના પોતાના સંબંધોનો ખુલાસો કર્યો. હું 2003થી કરુણા શર્મા નામની મહિલા સાથે સહમતિથી સંબંધમાં છું. મારા પરિવાર, પત્ની અને મિત્રો પણ આ વિશે જાણે છે. પરસ્પર સંમતિથી થયેલા સંબંધ દ્વારા અમારે એક પુત્ર અને એક પુત્રી છે. મેં આ બંને બાળકોને મારું નામ આપ્યું છે. પિતા તરીકે મારું નામ તેમના શાળાના પ્રમાણપત્રો અને અન્ય તમામ દસ્તાવેજો પર છે. આ બાળકો મારી સાથે રહે છે. ‘મારા પરિવાર, મારી પત્ની અને મારા બાળકોએ પણ તેમને પરિવારના સભ્યો તરીકે સ્વીકાર્યા છે,’ એમ ત્યારે તેમણે લખ્યું હતું.

આ પણ વાંચો : મહારાષ્ટ્રના પ્રધાન ધનંજય મુંડેની આંખોની શસ્ત્રક્રિયા

કરુણા શર્મા કોણ છે?

કરુણા શર્મા મૂળ મધ્યપ્રદેશના ઇન્દોરની છે, પરંતુ તે છેલ્લા કેટલાક વર્ષોથી મુંબઈમાં રહે છે. તેમના ફેસબુક એકાઉન્ટ પર લખ્યું છે કે તેઓ મુંબઈમાં ‘જીવનજ્યોત’ નામની સામાજિક સેવા સંસ્થા સાથે સંકળાયેલા છે. સોશિયલ મીડિયા પર તેમના સામાજિક કાર્ય કરતા કેટલાક ફોટા પણ જોઈ શકાય છે. કરુણા શર્માના ફેસબુક એકાઉન્ટ પર, તેમણે પોતાનું નામ ‘કરુણા ધનંજય મુંડે’ લખ્યું છે.

દરમિયાન, ફેમિલી કોર્ટમાં કરુણા શર્મા અને ધનંજય મુંડે વચ્ચે ચાલી રહેલા કેસમાં કોર્ટે કોઈ ઘરેલુ હિંસાનો નિષ્કર્ષ કાઢ્યો નથી. કોર્ટનો આદેશ ફક્ત વચગાળાના ભરણપોષણની ચુકવણી માટે છે. જે ફક્ત આર્થિક માપદંડોને ધ્યાનમાં રાખીને પસાર કરવામાં આવ્યો છે. કથિત હિંસાના કોઈપણ આરોપો પર આધારિત નથી. આ આદેશનો આધાર એ છે કે ધનંજય મુંડે પોતે પહેલાથી જ સ્વીકારી ચૂક્યા છે કે તેઓ કરુણા શર્મા અને તેમના બાળકો સાથે રહે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button