ભૂતપૂર્વ પ્રધાન ધનંજય મુંડેએ ભ્રષ્ટાચારની ફાઇલ ગાયબ કરી: અંજલી દમણિયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કાર્યકર્તા અંજલી દમણિયાએ ગુરુવારે એવો આરોપ લગાવ્યો હતો કે એનસીપીના નેતા ધનંજય મુંડેએ તેમના પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન મહારાષ્ટ્ર કૃષિ વિભાગમાં થયેલા ભ્રષ્ટાચારની ફરિયાદો પરના અહેવાલવાળી ફાઇલ ગાયબ કરી દીધી હતી.
દમણિયાએ જણાવ્યું હતું કે તેમને વિભાગ તરફથી એવો લેખિત સંદેશ મળ્યો છે કે તેમની પાસે ફાઇલ નથી અને ભૂતપૂર્વ પ્રધાનને તે ફાઇલ પરત કરવાની વિનંતી કરતો પત્ર મોકલવામાં આવ્યો છે.
આપણ વાંચો: ધનંજય મુંડેએ સરકારી બંગલો ખાલી કરવો જોઈએ: સામાજિક કાર્યકર્તા દમણિયા
મુંડે અગાઉની એકનાથ શિંદેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારમાં કૃષિ પ્રધાન હતા. તેઓ વર્તમાન સરકારમાં અલગ પોર્ટફોલિયો ધરાવતા હતા, પરંતુ આ વર્ષની શરૂઆતમાં જ્યારે તેમના નજીકના સહાયકની હત્યા કેસમાં ધરપકડ કરવામાં આવી ત્યારે તેમણે રાજીનામું આપી દીધું હતું.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પરની એક પોસ્ટમાં, દમણિયાએ દાવો કર્યો હતો કે આઈએએસ અધિકારી વી. રાધા, જે તત્કાલીન કૃષિ સચિવ હતા, તેમણે વિભાગમાં ભ્રષ્ટાચાર અને અનિયમિતતાની ફરિયાદો પરના અહેવાલવાળી ફાઇલ મુંડેને મોકલી હતી.
આપણ વાંચો: ધનંજય મુંડે સામેના આક્ષેપોની તપાસ માટે દમણિયાને એસીબીને સમક્ષ હાજર થવાનું ફરમાન…
‘આ ફાઇલ ધનંજય મુંડે દ્વારા ગાયબ કરી દેવામાં આવી હતી. આજે લોકાયુક્તની સુનાવણી દરમિયાન, મેં લોકાયુક્ત સમક્ષ આ બાબત રજૂ કર્યા પછી, પ્રતિભા પાટીલ નામના ડેપ્યુટી સેક્રેટરીએ જણાવ્યું હતું કે એક આઉટવર્ડ નંબર હતો જે દર્શાવે છે કે ફાઇલ પ્રધાનને મોકલવામાં આવી હતી, પરંતુ તેમના રાજીનામા પછી ફાઇલ પરત કરવામાં આવી ન હતી,’ એવો દાવો દમણિયા દ્વારા કરવામાં આવ્યો હતો.
લોકાયુક્તે મુંડેને લેખિત જવાબ રજૂ કરવાનો આદેશ આપ્યો, એમ પણ તેમણે જણાવ્યું હતું. આ આરોપો પર એનસીપીના નેતાની પ્રતિક્રિયા તાત્કાલિક ઉપલબ્ધ નહોતી.