દેવેન્દ્ર ફડણવીસ વિકાસ ભંડોળ રોકે છે: અનિલ દેશમુખનો આરોપ
નાગપુર: છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને એનસીપી (શરદ પવાર)ના વિધાનસભ્ય અનિલ દેશમુખ એકબીજા પર આરોપો અને ટીકા કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા અનિલ દેશમુખે 100 કરોડની કથિત વસૂલાત મામલે દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધ્યું હતું. જે બાદ રાજ્યમાં ઘણો વિવાદ થયો હતો. આ વિવાદ હજી શમતો નથી, અનિલ દેશમુખે નવો આક્ષેપ કર્યો છે કે દેવેન્દ્ર ફડણવીસના દબાણને કારણે તેમને વિકાસ કામો માટે ભંડોળ મળતું નથી. તેમના આરોપ બાદ વિવિધ રાજકીય ચર્ચાઓ પણ જાગી છે.
અનિલ દેશમુખે શુક્રવારે નાગપુરમાં જણાવ્યું હતું કે, દેવેન્દ્ર ફડણવીસના દબાણને કારણે તેમના મતદારસંઘમાં વિકાસ કાર્યો માટે ફંડ નથી મળી રહ્યું. તેમણે મહાવિકાસ અઘાડી (એમવીએ)ની બેઠકોની વહેંચણી અને હરિયાણાના પરિણામ પર પણ ટિપ્પણી કરી હતી.
અનિલ દેશમુખે શું કહ્યું?
દેવેન્દ્ર ફડણવીસ નાગપુરના પાલક મંત્રી છે. તેઓ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન પણ છે. જોકે, તેમના દબાણને કારણે કલેક્ટર અનેક વિકાસના પ્રોજેક્ટની ફાઈલો પર સહી કરતા નથી. અમે સતત વિવિધ યોજનાઓ માટે ભંડોળ માંગીએ છીએ. પરંતુ કાટોલ-નરખેડ એનસીપી (શરદ પવાર જૂથ)નો મતવિસ્તાર હોવાથી દેવેન્દ્ર ફડણવીસ રાજકારણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેથી, અમારા મતવિસ્તારમાં ઘણા વિકાસ કામો બાકી છે, એવો આક્ષેપ અનિલ દેશમુખે કર્યો હતો.
| Read More: Maharastra Election : ભાજપને જોઈએ છે 160 બેઠકો! મહાયુતીમાં તિરાડ પડી શકે છે?
..તો અમે કોર્ટમાં જઈશું
ભાજપના વિધાનસભ્યોને વધુ ભંડોળ અને એનસીપીના વિધાનસભ્યોને ઓછું ભંડોળ આપવાની ભેદભાવયુક્ત નીતિ કામ કરશે નહીં. દરેકને સમાન ભંડોળ મળવું જોઈએ. જો અમને પૂરતું ભંડોળ નહીં મળે, તો અમે ઉલ્લંઘન માટે દાવો દાખલ કરીશું અને કોર્ટમાં અપીલ કરીશું. વિધાનસભ્યોને સામાન્ય વિકાસ કામો માટે પૈસા મળવા જોઈએ. ત્યાં કોઈ ભેદભાવ ન હોવો જોઈએ, એમ તેમણે કહ્યું હતું.
બેઠકોની વહેંચણી બાબતે શું કહ્યું?
આગળ બોલતા અનિલ દેશમુખે મહાવિકાસ અઘાડીની બેઠકોની ફાળવણી પર પણ ટિપ્પણી કરી. બે દિવસ પહેલા બેઠકોની ફાળવણી અંગે બેઠક યોજાઈ હતી, પરંતુ વિદર્ભની ઘણી બેઠકો અંગે નિર્ણય લેવાનો બાકી છે. દશેરા પછી અમે બેઠક યોજીને આ અંગે ચર્ચા કરીશું. આ બેઠકો અંગેનો નિર્ણય સક્ષમ ઉમેદવારોને જોયા પછી લેવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. મહાવિકાસ આઘાડીની સરકાર આવ્યા પછી, નેતાઓ નક્કી કરશે કે કોણ મુખ્ય પ્રધાન બનશે. મુખ્ય પ્રધાન પદ 10 મિનિટમાં નક્કી કરવામાં આવશે, એમ તેમણે ઉમેર્યું હતું.
હરિયાણાના પરિણામની મહારાષ્ટ્રમાં અસર નહીં
હરિયાણામાં કોંગ્રેસની હાર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, હરિયાણામાં ઈન્ડી આઘાડીના ઘટક પક્ષો માટે કોઈ સીટ છોડવામાં આવી નહોતી. જો ઘટક પક્ષો માટે બેઠકો છોડી દેવામાં આવી હોત તો પરિણામ અલગ હોત. પરંતુ હરિયાણામાં ઈન્ડી આઘાડીને ફટકો પડ્યો એનો અર્થ એ નથી કે મહારાષ્ટ્રમાં પણ આવી જ સ્થિતિ ઊભી થશે. અમે સાથી પક્ષો સાથે ચર્ચા કર્યા પછી જ બેઠકોની વહેંચણી અંગે નિર્ણય લઈશું, એમ તેમણે કહ્યું હતું.