મહાયુતિમાં ચોથા વ્યક્તિ માટે કોઈ સ્થાન નથી: ફડણવીસ અમે તમારા દરવાજે નહીં આવીએ: સંજય રાઉત
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતી મેળવીને મહાયુતિએ રાજ્યમાં સરકાર બનાવી છે. તેવી જ રીતે મહા વિકાસ આઘાડીના એક ઘટક પક્ષ, શિવસેના (યુબીટી) મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના વખાણ કરી રહ્યું છે. ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પણ મળ્યા. મુખપત્ર સામનામાં ફડણવીસની પ્રશંસા પણ કરી હતી. જોકે, આ બધાની વચ્ચે મુખ્ય પ્રધાન ફડણવીસે એવી સ્પષ્ટતા કરી છે કે, ઉદ્ધવ ઠાકરે માટે હવે મહાયુતિના દરવાજા બંધ થઈ ગયા છે. મુખ્ય પ્રધાન ફડણવીસે એમ પણ કહ્યું હતું કે, શિવસેના સાથે ભાજપના ‘નવા સંબંધો’ વિશેની અટકળો લગાવવામાં સાવધાની રાખવાની જરૂર છે. મહાયુતિમાં ચોથા વ્યક્તિ માટે કોઈ સ્થાન નથી. આનો જવાબ આપતા શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે અમે તમારા દરવાજે નહીં આવીએ.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એક મરાઠી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે મુખ્ય પ્રધાન બન્યા પછી તેમણે એવું શું કર્યું કે ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે તેમના વખાણ કરી રહ્યા છે. આ અંગે બોલતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, ‘તમારે હંમેશા કેટલાક લોકોના વખાણથી સાવધ રહેવું જોઈએ. જો તમે આ વખાણને પોતાની પ્રશંસા માનશો, તો તમારું નામ ઇતિહાસમાં જમા થઈ જશે. તેથી, આ રીતે લોકોની પ્રશંસા સાંભળવાનું બંધ કરવું જોઈએ.’
ફડણવીસને એમ પણ પૂછવામાં આવ્યું હતું કે, શું ઉદ્ધવ ઠાકરે માટે મહાયુતિના દરવાજા ખુલશે? ત્યારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એવી સ્પષ્ટતા કરી હતી કે, ‘આવો કોઈ પ્રશ્ર્ન જ નથી. કારણ કે હવે મહારાષ્ટ્રમાં, લોકોએ અમારા ત્રણેને ખૂબ જ સારી બહુમતી આપી છે. તેથી, અમે ત્રણે અમારી ખુરશીઓ પર મજબૂત રીતે બેસી ગયા છીએ કે હવે ચોથા વ્યક્તિ માટે કોઈ જગ્યા બાકી જ નથી અને તેની કોઈ જરૂર પણ નથી. તેથી, હું નથી માનતો કે કયો દરવાજો ખુલ્લો છે અને કયો બંધ છે. આવી ચર્ચાઓ માટે હવે કોઈ સ્થાન નથી. મહાયુતિ સારી રીતે કામ કરી રહી છે અને અમારી મહાયુતિ સરકાર મહારાષ્ટ્રમાં ત્યાં સુધી કામ કરશે જ્યાં સુધી ‘અંત ન આવે.’
ફડણવીસની આ ટિપ્પણી પર મીડિયા સાથે વાત કરતા, સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે, ‘અમારા (પાર્ટીના) જનપ્રતિનિધિઓ, વિધાનસભ્યો અને સાંસદો ચોક્કસપણે તેમને મળશે. નહિંતર, એવો સરકારી આદેશ જારી કરો કે વિરોધ પક્ષના વિધાનસભ્યો મને ન મળવું. એકવાર તમે સરકારી આદેશ જારી કરો, પછી અમે મુક્ત છીએ. તમે મુખ્ય પ્રધાન છો. કોઈ એક પાર્ટીના નહીં આખા રાજ્યના મુખ્ય પ્રધાન છો. અમને એવું લાગે છે કે લોકશાહી માટે હાનિકારક હોય એવું વલણ તમે નહીં અપનાવો એમ સંજય રાઉતે કહ્યું હતું.
‘ભાજપ પાસે હવે કોઈ દરવાજો બાકી રહ્યો નથી. તમારી પાર્ટી એવી સ્થિતિમાં છે જ્યાં કોઈપણ ભ્રષ્ટ અને વ્યભિચારી વ્યક્તિ આવીને સીધો અંદર ઘૂસી શકે છે. અમે તમારા દરવાજા પર નહીં આવીએ, કારણ કે અમે ભ્રષ્ટ અને વ્યભિચારી નથી. તમારી પાર્ટી ગુલામી અને ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે,’ એમ પણ સંજય રાઉતે કહ્યું હતું.