
પંઢરપુર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે કહ્યું હતું કે તેમના જન્મદિવસ પર વિપક્ષી નેતાઓ તરફથી મળેલી પ્રશંસા પર કોઈ રાજકીય અર્થઘટન ન કરવું જોઈએ. એનસીપી (એસપી) પ્રમુખ શરદ પવાર અને શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે દ્વારા પ્રશંસા કરતા સંદેશાઓ સાથે ફડણવીસ પર એક કોફી ટેબલ બુક મંગળવારે વિમોચન કરવામાં આવી હતી.
‘આપણે વૈચારિક વિરોધીઓ છીએ, દુશ્મનો નથી. જન્મદિવસ કે અન્ય કોઈ શુભ પ્રસંગે આપવામાં આવતી શુભેચ્છાઓને રાજકીય રંગ આપવો અત્યંત ખોટું છે. નહીં તો એવું લાગશે કે આપણે રાજ્યની સંસ્કૃતિનું ખોટું ચિત્ર ઊભું કરી રહ્યા છીએ,’ એમ પંઢરપુર ખાતે વિઠ્ઠલ મંદિરમાં પગે લાગ્યા પછી પત્રકારો સાથે વાત કરતા ફડણવીસે કહ્યું હતું.
‘કેટલાક લોકોએ મારા જન્મદિવસ પર એક પુસ્તક પ્રકાશિત કર્યું. આ બંને નેતાઓ (પવાર અને ઠાકરે) પાસેથી ટિપ્પણીઓ માગવામાં આવી હતી અને તેમણે મારા વિશે સારી સારી વાતો કરી હતી અને મને શુભેચ્છા પાઠવી હતી. હું તેમનો આભારી છું. આને રાજકીય રંગ આપવો સંકુચિત વિચારધારા ગણાશે,’ એમ તેમણે કહ્યું હતું.
13મી સદીના જાણીતા ભક્તિ સંત નામદેવની 675મી સમાધિ જયંતી વિશે વાત કરતા મુખ્ય પ્રધાને કહ્યું હતું કે સંતોનું જીવન હંમેશા પ્રેરણાદાયક હોય છે. મરાઠી અને હિન્દીના ઉપયોગ અંગેના વિવાદ અંગે રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણનની ટિપ્પણી વિશે પૂછવામાં આવતા, ફડણવીસે કહ્યું હતું કે ‘રાજ્યપાલને રાજકારણમાં ઘસડવું’ અયોગ્ય ગણાશે. વિધાન પરિષદમાં પ્રધાન ઓનલાઈન રમી રમતા જોવા મળ્યા બાદ કૃષિ પ્રધાન માણિકરાવ કોકાટેના રાજીનામાની માગણી પર ટિપ્પણી કરવાનો તેમણે ઇનકાર કર્યો હતો.
મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, ‘હું અહીં પ્રાર્થના કરવા આવ્યો છું.’
ફડણવીસે જણાવ્યું હતું કે, તેઓ પંઢરપુર કોરિડોર પ્રોજેક્ટ અંગે સ્થાનિક લોકો સાથે ચર્ચા કરવા તૈયાર છે, જેમાં રસ્તાઓ પહોળા કરીને, દુકાનો સ્થાનાંતરિત કરીને અને ભક્તો માટેની સુવિધાઓમાં સુધારો કરીને વિઠ્ઠલ-રુક્મિણી મંદિરની આસપાસના વિસ્તારને ભવ્ય બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
આ પણ વાંચો…ફડણવીસ-પવારનો જન્મદિવસઃ મોદીએ પાઠવી શુભેચ્છા, પણ એકનાથ શિંદેની પોસ્ટ પર સૌની નજર…