રાત્રે બાર વાગ્યે બંધ દરવાજે દેવેન્દ્ર ફડણવીસ અને અંબાણી પુત્રની મુલાકાત? કંઈ નવાજૂનીના એંધાણ
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ચૂંટણીના માહોલ વચ્ચે રાજકારણીઓ એકબીજાને અડધી રાત્રે મળે તે સામાન્ય છે, પરંતુ ગઈકાલે મોડી રાત્રે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના સાગર બંગલા ખાતેની મુલાકાતે સૌના ભવાં ઊંચા કરી નાખ્યા છે. આ સાથે જૈન સમુદાયના ઈચ્છુકોને પણ ટિકિટ મળે તે માટે જાણીતા જૈન સંતો ફડણવીસને મોડી રાત્રે મળ્યા હોવાના પણ અહેવાલો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગઈકાલે મોડી રાત્રે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ ફડણવીસની મુલાકાત લીધી હતી. દિવસ દરમિયાન ન થતાં આ મુલાકાત રાત્રે બાર વાગ્યા બાદ થઈ ને તે પણ બંધ બારણે દોઢેક કલાક માટે ચાલી હોવાથી રાજ્યમાં કોઈ રાજકીય ભૂકંપ આવવાનો છે કે શું તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
| Also Read: Assembly Election: ‘મહાયુતિ’માં ૧૦-૧૧ બેઠકનું કોકડું ગૂંચવાયેલું…
ઑક્ટોબર મહિનામાં જ મુકેશ અંબાણી અને અનંત અંબાણી એ માતોશ્રી ખાતે ઉદ્ધવ ઠાકરેની મુલાકાત લીધી હતી. આ સમયે તેમનો નાનો પુત્ર તેજસ પણ હાજર હતો. ત્યારબાદ લગભગ રાત્રે એકાદ વાગ્યે પિતા-પુત્રએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નિવાસસ્થાન વર્ષા ખાતે પણ મુલાકાત કરી હતી. દરેક મુલાકાત અડધી રાત્રે અને રાજ્યના ત્રણ મુખ્ય નેતાઓ સાથે થઈ હોવાથી અટકળો તેજ થાય તે સ્વાભાવિક છે.
અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે મહાયુતીમાં બેઠક વહેંચણી મામલે હજુ તમામ બેઠકો પર સર્વસંમતિ સધાઈ નથી, જેમાં મુંબઈની મહત્વની બેઠકોનો પણ સમાવેશ થાય છે. આ બેઠકો પર ઉદ્યોગપતિને ટિકિટ મળે તે અંગેની કોઈ ચર્ચા હોઈ શકે. આ સાથે મુંબઈમાં જૈન સંતોને એક કે બે બેઠક પરથી ટિકિટ આપવામાં આવે તેવી માગણી ભાજપ પાસે કરવામાં આવી હતી. જો ભાજપ આ માગણી ન સ્વીકારે તો તેમણે પરિણામો સમયે નિરાશ થવાનો વારો આવે. ત્યારે બીજી બાજુ તો જૈન સમાજને પ્રાધાન્ય આપવામાં આવે તો અન્ય ગુજરાતી સમાજની નારાજગી વહોરવી પડે તેમ છે.
આમ પણ દહીંસર, મલાડ, વિલેપાર્લે જેવી ગુજરાતીઓની વર્ચસ્વવાળી બેઠકો પર ગુજરાતીઓને ટિકિટ ન મળતી હોવાથી ગુજરાતી સમાજમાં નારાજગી છે જ ત્યારે હવે આવનારી યાદીમાં ભાજપ કોને ક્યાંથી તક આપે છે, જેના પર સૌની નજર છે. જેમાં આ મુલાકાતને લીધે રસાકસી વધી છે.
| Also Read: ઉદ્ધવ ઠાકરેએ બહાર પાડી બીજી યાદી, જાણો ક્યાંથી કોણ લડશે ચૂંટણી
આ સાથે ભાજપ અને શિવસેના 25 કરતા વધારે વર્ષો માટે સાથે રહ્યા છે. આ સાથે શિંદે પણ શિવસેનાનો ભાગ છે ત્યારે આ ત્રણેય નેતાની મુલાકાત રાજકીય નવાજૂનીની શક્યતા તરફ ઈશારો કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.
જોકે આ મુલાકાતો મામલે સત્તાવાર કોઈ માહિત મળી નથી.