મોદી સરકારે મરાઠવાડામાં રેલવે લાઇન માટે 21,000 કરોડ રૂપિયા આપ્યા, યુપીએના સમયમાં 450 કરોડ આવ્યા હતા: ફડણવીસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રના મરાઠવાડામાં રેલવે પ્રોજેક્ટ્સ માટે છેલ્લા 10 વર્ષમાં 21,000 કરોડ રૂપિયા ફાળવ્યા હતા, જ્યારે યુપીએના સમયમાં ફક્ત 450 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા.
પરલી-બીડ-અહિલ્યાનગર રેલવે પ્રોજેક્ટના બીડ-અહિલ્યાનગર સેક્શનનું ઉદ્ઘાટન કર્યા પછી એક સભાને સંબોધતા, ફડણવીસે અગાઉની મહા વિકાસ આઘાડી (એમવીએ) સરકાર પર ભંડોળ ન આપીને પ્રદેશમાં રેલવે પ્રોજેક્ટ્સ અટકાવવાનો આરોપ લગાવ્યો હતો.
નાયબ મુખ્ય પ્રધાન અને બીડના પાલક પ્રધાન અજિત પવાર, મિનિસ્ટર પંકજા મુંડે અને બીડના સાંસદ બજરંગ સોનાવણે પણ આ કાર્યક્રમમાં હાજર હતા.
‘વડા પ્રધાન મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે છેલ્લા દસ વર્ષમાં મરાઠવાડામાં રેલવે પ્રોજેક્ટ્સ માટે રૂ. 21,000 કરોડ ફાળવ્યા હતા, જ્યારે તત્કાલીન યુપીએ (યુનાઈટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ) સરકારે દસ વર્ષમાં રૂ. 450 કરોડ ફાળવ્યા હતા,’ એમ ફડણવીસે જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે જમીન સંપાદન સંબંધિત અવરોધો દૂર કરવા છતાં, ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની એમવીએ સરકાર જે લગભગ અઢી વર્ષ સત્તામાં રહી તેણે મરાઠવાડામાં રેલવે પ્રોજેક્ટ્સ માટે રાજ્યનો 50 ટકા હિસ્સો આપ્યો નહીં. પરિણામે, પ્રોજેક્ટ્સ અટકી પડ્યા હતા.
છત્રપતિ સંભાજીનગર દેશની ઇલેક્ટ્રિક વાહન રાજધાની બનશે
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે જણાવ્યું હતું કે છત્રપતિ સંભાજીનગર દેશનું ઇલેક્ટ્રિક વાહન (ઈવી)ની રાજધાની બનશે કારણ કે તે એક પ્રિય રોકાણ સ્થળ બની રહ્યું છે.
મરાઠવાડામાં આવેલા છત્રપતિ સંભાજીનગરના સિદ્ધાર્થ ગાર્ડન ખાતે તેઓ મરાઠવાડા મુક્તિ સંગ્રામ સ્મારકમાં આયોજિત એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા.
17 સપ્ટેમ્બરે મરાઠવાડાના ભારત સાથે એકીકરણ અને નિઝામ શાસન હેઠળના હૈદરાબાદ રાજ્યના ભારતીય સંઘમાં જોડાણની તારીખ હોવાથી આ દિવસને મરાઠવાડા મુક્તિ સંગ્રામ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.