લવ જેહાદની 1 લાખથી વધુ ફરિયાદો; 14 લોકસભા બેઠકો વોટ જેહાદ: ફડણવીસ
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે એક લાખથી વધુ ફરિયાદોએ ઇરાદાપૂર્વકના ‘લવ જેહાદ’ ષડયંત્રને હાઇલાઇટ કર્યું છે, જેમાં હિન્દુ મહિલાઓને પુરુષો દ્વારા નકલી ઓળખનો ઉપયોગ કરીને લગ્નની લાલચ આપવામાં આવી રહી હતી.
આ પણ વાંચો :શું અડધી રાતે સંજય રાઉત નડ્ડાને અને ઉદ્ધવ ઠાકરે ફડણવીસને મળ્યા હતા?
વિપક્ષી મહા વિકાસ અઘાડીને નિશાન બનાવતાં ફડણવીસે એવો દાવો કર્યો કે તાજેતરની લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં 48 માંથી 14 મતદારસંઘમાં ‘વોટ જેહાદ’ જોવા મળી હતી.
સોમવારે સાંજે કોલ્હાપુરમાં એક સાર્વજનિક કાર્યક્રમને સંબોધતાં ફડણવીસે એવા કિસ્સાઓ દર્શાવ્યા હતા કે જેમાં મહિલાઓને આંતરધર્મી લગ્નમાં ફસાવવામાં આવી હતી અને ત્યારબાદ બાળકોને જન્મ આપ્યા બાદ તેમને છોડી દેવામાં આવ્યા હતા.
ફડણવીસની ટિપ્પણી પર કોંગ્રેસ તરફથી તીવ્ર પ્રતિક્રિયાઓ આવી હતી જેમણે ફડણવીસ પર બંધારણીય શપથનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો હતો અને તેઓ માફી માગે એવી માગણી કરી હતી.
એક દાયકા પહેલા, અમે માનતા હતા કે લવ જેહાદની વાત એ એકલદોકલ ઘટના છે. અમે માનતા હતા કે આ કોઈ ષડયંત્ર નથી. અમે હવે જોયું છે કે એક લાખથી વધુ ફરિયાદો આવી છે જેમાં હિન્દુ મહિલાઓને અલગ-અલગ ધર્મના પુરુષો દ્વારા લગ્નની લાલચ આપીને ભાગી છૂટવામાં આવે છે, એમ ફડણવીસે કહ્યું હતું, જેઓ રાજ્યનું ગૃહ મંત્રાલય સંભાળે છે.
લવ ’જેહાદ’ એ હિંદુ જૂથો દ્વારા ઉપયોગમાં લેવાતો બિનસત્તાવાર શબ્દ છે જે મુસ્લિમ પુરુષો દ્વારા પ્રેમ અને લગ્નના બહાને હિંદુ છોકરીઓનું ધર્માંતરણ કરવાના કથિત અભિયાનનો સંદર્ભ આપે છે.
આ પણ વાંચો :મહાવિકાસ આઘાડીની બેઠકોની વહેંચણી 3-4 દિવસમાં ફાઈનલ થશે: સુપ્રિયા સુળે
ફડણવીસે સ્પષ્ટતા કરી હતી કે તેઓ આંતર-ધર્મ લગ્નની વિરુદ્ધ નથી. ‘જોકે, ઘણા કિસ્સાઓમાં વ્યક્તિઓએ નકલી ઓળખનો ઉપયોગ કર્યો છે અને લગ્ન માટે પોતાના વિશે ખોટી માહિતી પ્રદાન કરી છે. આ વ્યક્તિઓએ તેમના જીવનસાથીને પણ એકસમાન રીતે બાળકોના જન્મ પછી છોડી દીધા છે, એમ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું.
‘આ પ્રેમનું કૃત્ય નથી, પરંતુ તે જાણી જોઈને રચાયેલું કાવતરું છે અને તે લવ જેહાદ છે. તે આપણા ધર્મની મહિલાઓને છેતરવાનો અને બગાડવાનો એક રસ્તો છે, એમ ફડણવીસે જણાવ્યું હતું.
ભાજપ નેતાએ ‘વોટ જેહાદ’ માટે ધુળે લોકસભા મતવિસ્તારના પરિણામનો સંદર્ભ આપ્યો જ્યાં ‘ભાજપના ઉમેદવારની વિરુદ્ધમાં માલેગાંવ સેન્ટ્રલ એસેમ્બલી સેગમેન્ટમાં મોટા પાયે મતદાન’ના કારણે એમવીએનો ઉમેદવાર વિજયી થયો હતો.
‘લોકસભાની ચૂંટણીમાં વોટ જેહાદ જોવા મળ્યો હતો. ધુળે મતવિસ્તારમાં પાંચ વિધાનસભા બેઠકો પર ભાજપના ઉમેદવાર 1.90 લાખ મતો સાથે આગળ હતા. જો કે, અમારા હરીફ ઉમેદવાર 1.94 લાખ મત મેળવીને વિજયી થયા હતા. માલેગાંવ સેન્ટ્રલ એસેમ્બલી સેગમેન્ટમાં એકપક્ષી મતદાનને કારણે માત્ર 4,000 મતોથી ભાજપના ઉમેદવાર ચૂંટણી હારી ગયા હતા એમ ફડણવીસે કહ્યું હતું.
આ પણ વાંચો :‘હિંદુ મતદારોમાં ફૂટ પાડો, મુસ્લિમ મતો તો ખિસ્સામાં છે જ’: રિજિજુએ કોના પર સાધ્યું નિશાન?
મતદાનના પરિણામ કરતાં પણ વાસ્તવિક ચિંતા એ કેટલાક લોકોનો વધતો આત્મવિશ્વાસ છે જેઓ વિચારે છે કે જો તેઓ મોટી સંખ્યામાં એકપક્ષી મતદાન કરી શકે તો તેઓ સંપૂર્ણ સંખ્યામાં લઘુમતી હોવા છતાં હિન્દુત્વ શક્તિઓને હરાવી શકે છે, એમ તેમણે જણાવ્યું હતું.
આ જ સમય છે જાગવાનો, એમ ફડણવીસે ઉમેર્યું હતું. 48 લોકસભા મતવિસ્તારોમાંથી (મહારાષ્ટ્રમાં) 14 બેઠકો પર વોટ જેહાદ જોવા મળ્યો હતો. હિંદુ ધર્મે ક્યારેય અન્ય ધર્મોનો અનાદર કર્યો નથી. સહિષ્ણુતા આપણા લોહીમાં છે. જો કોઈ હિંદુ વિરોધી નેતાઓને ચૂંટવા માટે મતદાન કરી રહ્યું હોય તો હું હિંદુત્વને જાગૃત કરવાની જરૂરિયાત માટે હાકલ કરું છું, એમ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.
નાના પટોલેએ કરી ફડણવીસની ટીકા
ફડણવીસની ટિપ્પણીનો જવાબ આપતાં મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું હતું કે ભાજપના નેતાએ જાણી લેવું જોઈએ કે છત્રપતિ શિવાજી મહારાજની સેનામાં મુસ્લિમ યોદ્ધાઓ હતા. ફડણવીસ ઈતિહાસમાં નબળા છે. શિવાજી મહારાજની સેનામાં મુસ્લિમ યોદ્ધાઓ હતા. તેમણે માફી માંગવી જોઈએ, એમ પટોલેએ કહ્યું હતું.
ફડણવીસની ટિપ્પણી રાજકીય રીતે પ્રેરિત: વડેટ્ટીવાર
મહારાષ્ટ્ર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા વિજય વડેટ્ટીવારે કહ્યું હતું કે, ફડણવીસની ટિપ્પણી રાજકીય રીતે પ્રેરિત છે. ભાજપ માત્ર જેહાદ, મસ્જિદ, હિંદુ-મુસ્લિમ અને ભારત-પાકિસ્તાનની વાત કરે છે. જો તેઓ આ ચાર શબ્દોનો ઉપયોગ નહીં કરે, તો તેમના ઉમેદવારો ચૂંટણીમાં ડિપોઝિટ ગુમાવી દેશે. આ એક પેટર્ન છે જેનો ઉપયોગ ભાજપના લોકો કરે છે, એવો આરોપ તેમણે લગાવ્યો હતો.
આ પણ વાંચો :મહારાષ્ટ્રમાં હવે આમ જ નહીં મળી જાય ટિકિટ, કૉંગ્રેસ ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેશે
કોંગ્રેસના નેતા સચિન સાવંતે આરોપ લગાવ્યો હતો કે, ફડણવીસે વોટ જેહાદ જેવા શબ્દોનો ઉપયોગ કરીને બંધારણના મૂલ્યોનું અપમાન કર્યું છે.
ફડણવીસે આવી ભાષાનો ઉપયોગ કરીને તેમના બંધારણીય શપથનું ઉલ્લંઘન કર્યું છે. ભાજપે આત્મનિરીક્ષણ કરવું જોઈએ કે મુસ્લિમો તેમને કેમ મત આપતા નથી, એમ સાવંતે કહ્યું હતું. તેમણે ભાજપ પર બેવડા ધોરણો અપનાવવાનો આરોપ લગાવ્યો હતો.