આમચી મુંબઈ

મહારાષ્ટ્રમાં ગુનાખોરી વધવાનું કારણ દેવેન્દ્ર ફડણવીસ છે: સુપ્રિયા સુળે

મુંબઈ: નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જ્યારથી મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાનપદની જવાબદારી સ્વીકારી ત્યારથી રાજ્યમાં ગુનાખોરી વધી છે. આ જવાબદારી સ્વીકારવામાં દેવેન્દ્ર ફડણવીસ સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યા છે, એવી ટીકા એનસીપીનાં સાંસદ સુપ્રિયા સુળેએ કરી છે. મહારાષ્ટ્ર પોલીસની સતત બદલી કરવામાં આવી રહી છે. પોલીસને પારદર્શી રીતે કામ કરવા નથી દેવામાં આવતું, એવો આરોપ સુપ્રિયા સુળેએ કર્યો હતો.
15 દિવસ અગાઉ કેન્દ્ર સરકારે નવું ક્રાઈમ બિલ રજૂ કર્યું હતું. જેમાં ફોન ટેપિંગ અધિકૃત કરવામાં આવ્યું છે. ગૃહ મંત્રાયલ પૂરી રીતે નિષ્ફળ ઠર્યું હોવાનો આરોપ પણ સુપ્રિયા સુળેએ કર્યો છે. થોડા સમય પહેલાં થયેલી પત્રકાર પરિષદમાં પણ તેમણે આવો આરોપ કર્યો હતો.
પ્રકાશ આંબેડકર અંગે સુપ્રિયા સુળેએ પોતાનો મત વ્યક્ત કરતાં કહ્યું હતું કે છેલ્લાં અનેક વર્ષથી મહારાષ્ટ્રના અને દેશના રાજકારણમાં આંબેડકર કુટુંબનું મોટું યોગદાન રહેલું છે. વંચિત બહુજન આઘાડીના પ્રમુખ પ્રકાશ આંબેડકરનું કામ પણ સારું રહ્યું છે. બંધારણને બચાવવા માટે અને દેશને બચાવવા માટે પ્રકાશ આંબેડકર સારી કામગીરી કરી રહ્યા છે. નવી પેઢીને પણ તેમનું માર્ગદર્શન સાંપડી રહ્યું છે. ઈન્ડિયા આઘાડીમાં તેમની મોટી ભૂમિકા રહેશે, એવો મને વિશ્વાસ છે.
દરમિયાન લોકસભાની ચૂંટણી માટે મહાવિકાસ આઘાડીની ફોર્મ્યુલા નક્કી થઇ છે. તેના પર સહીસિક્કા થવાના બાકી છે. થોડા મહિના પહેલાં આ ફોર્મ્યુલા
દિલ્હીમાં નક્કી કરવામાં આવી હતી. અમારી બેઠકની વહેંચણીનો નિર્ણય નજીકના સમયમાં કરવામાં આવશે, એવું સુળેએ વધુમાં જણાવ્યું હતું.
મહારાષ્ટ્રના પ્રોજેક્ટોને બીજાં રાજ્યોમાં ખસેડવામાં આવે છે. રોકાણ થતું નથી. મહારાષ્ટ્રને આથી અન્યાય થઇ રહ્યો છે. આના પર મહારાષ્ટ્રમાં ટ્રિપલ એન્જિન સરકાર કેમ મૌન બેઠી છે. ખોખાં સરકાર પાસે 200 વિધાનસભ્ય હોવા છતાં પણ મહારાષ્ટ્ર પર થઇ રહેલા અન્યાય સામે કોઇ અવાજ નથી ઉઠાવી રહ્યું, એવું સુપ્રિયા સુળેએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button