Pune Porsche Accident મુદ્દે દેવેન્દ્ર ફડણવીસે આખરે કર્યો મહત્ત્વનો ખુલાસો
મુંબઈઃ મહારાષ્ટ્ર સહિત આખા દેશમાં ચર્ચાનો વિષય બનનારા પુણે પોર્શ કાર અકસ્માત કેસ (Pune Porsche Accident)માં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadanvis) મહત્ત્વનો ખુલાસો કર્યો છે. તેમણે આ કેસમાં પૈસાના જોરે ન્યાય ખરીદવાનો પ્રયાસ થયો હોવાની વાત સામે આવી હોવાની વાતને કબૂલી હતી. જોકે આવું કોઇ કાળે થવા દઇ ન શકાય એમ કહેતા જણાવ્યું હતું કે ધનના ઉપયોગથી ન્યાય સાથે ચેડાં કરવાની પરવાનગી કોઇને પણ આપી શકાય નહીં. આપણે કાયદાને વધુ મજબૂત બનાવવાની જરૂર છે, તેમ ફડણવીસે કહ્યું હતું.
વિધાનસભામાં આ ઘટના અંગે પોતાનો મુદ્દો વ્યક્ત કરતા ફડણવીસે જણાવ્યું હતું કે આ કેસમાં પુણેના પોલીસ કમિશનર અમેતિશ કુમારની સક્રિય ભૂમિકા રહી છે અને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવી પડે તેવી કોઇપણ બાબત સામે આવી નથી. વિધાનસભામાં વિપક્ષના વિજય વડેટ્ટીવારે પુણે પોર્શ કાંડનો મુદ્દો ઉઠાવી ચર્ચા કરી હતી અને પુણેના પોલીસ કમિશનરના રાજીનામાની માગણી કરી હતી. જેનો જવાબ આપતા ફડણવીસે ઉક્ત સ્પષ્ટતા આપી હતી.
આ પણ વાંચો : Maharashtra Budget: પેટ્રોલ ડિઝલ સસ્તું, 3 સિલિન્ડર મફત, આર્થિક પછાત મહિલાઓને 1,500 રૂપિયા!
ફડણવીસે જવાબ આપતા જણાવ્યું હતું કે આ કેસમાં પૈસાના જોરે ન્યાય ખરીદવાનો પ્રયાસ કરવાની વાત સામે આવી છે. આમ કરવાની પરવાનગી આપી ન શકાય. આપણે કાયદો કઇ રીતે વધુ મજબૂત કરી શકાય એ જોવું જોઇએ. આ ઘટનામાં પુણે પોલીસને બદનામ કરવાની કોઇ જરૂર નથી. દોષી પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અને તેમને દંડ આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે 19 મેના રોજ મધરાતે ત્રણ વાગ્યાની આસપાસ પુણેના કલ્યાણ નગર વિસ્તારમાં પૂરઝડપે જઇ રહેલી મોંઘીદાટ પોર્શ કારે બે બાઇકસવારને ટક્કર મારી હતી. આ ઘટનામાં બે સોફટવેર પ્રોફેશનલનું મૃત્યુ થયું હતું. ઘટના વખતે 17 વર્ષનો સગીર આરોપી દારૂના નશામાં હોવાનું પોલીસને જણાયું હતું. આ ઘટનાના પડઘા મહારાષ્ટ્ર સહિત આખા દેશમાં પડ્યા હતા. આ કેસમાં સગીરના પિતા, દાદા તેમ જ માતા વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી હતી.