દેવેન્દ્ર ફડણવીસ મારી પાછળ પડી ગયા હતા તેથી હું ભાજપમાં જોડાયો, જાણો કોણે કહ્યું આવું ….

મુંબઇઃ કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે તેમના બેફામ નિવેદનો અને આક્રમક સ્વભાવ માટે જાણીતા છે. તેમણે હવે ભાજપમાં શા માટે જોડાયા તેનું કારણ જણાવ્યું છે. નારાયણ રાણેએ કહ્યું છે કે દેવેન્દ્ર ફડણવીસ તેમની પાછળ પડી ગયા હતા તેથી તેઓ ભાજપમાં જોડાયા હતા. નારાયણ રાણે 39 વર્ષ સુધી શિવસેનામાં હતા, પરંતુ બાદમાં ઉદ્ધવ ઠાકરે અને એમની કાર્યશૈલીથી કંટાળીને તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. જે બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા. હાલમાં તેમણે ભાજપમાં જોડાવાનું કારણ જણાવ્યું છે.
નારાયણ રાણેએ સિંધુદુર્ગ જિલ્લાના કુડાલ શહેરમાં મહાયુતિ કેડર સંવાદ બેઠકને સંબોધિત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ વડા પ્રધાન મોદીનું સમર્થન કરે છે. તેમણે લોકોને પણ પીએમ મોદીનું સમર્થન કરતા કામ પર લાગી જવાની વિનંતી કરી હતી. આ પ્રસંગે ભાજપના જિલ્લા પ્રમુખ પ્રભાકર સાવંત, સંદીપ કુડતરકર, રણજીત દેસાઈ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ જ બેઠકમાં નારાયણ રાણેએ ભાજપમાં જોડાવાનું કારણ જણાવ્યું હતું.
‘દેવેન્દ્ર ફડણવીસ મારી પાછળ પડી ગયા હતા કે તમે ભાજપમાં જોડાઓ. એક વાર જ્યારે હું રસ્તા પર ચાલી રહ્યો હતો ત્યારે ફડણવીસ મને મળ્યા. તેમણે કહ્યું કે તેઓ એક મિનિટ વાત કરવા માગે છે. તેમણે મને કહ્યું કે, ‘દાદા, પાર્ટીમાં આવી જાવ.’ મેં તેમને જણાવ્યું કે આમ રસ્તા પર કેવી રીતે વાત થઇ શકે. તમે મને બોલાવો , આપણે મળીએ, પછી આ બાબતે ચર્ચા કરીશું. ત્યાર બાદ અમે મળ્યા, ચર્ચા કરી અને હું ભાજપમાં જોડાયો. હું બધું સમજી વિચારીને કરું છું. મેં બધું વિચારીને જ ભાજપમાં જોડાવાનું નક્કી કર્યું અને જોડાઇ ગયો.
નારાયણ રાણે ભાજપમાં જોડાયા બાદ તેમને કેન્દ્રીય પ્રધાન પદ આપવામાં આવ્યું હતું. તેઓ તેમના આક્રમક સ્વભાવ માટે જાણીતા છે. મહા વિકાસ આઘાડીની સરકાર સમયે તેમણે ઉદ્ધવની જોરદાર ટીકા કરી હતી. તેઓ ઉદ્ધવ ઠાકરેના પ્રખર વિરોધી છે. નારાયણ રાણે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચેની દુશ્મનાવટ જાણીતી છે. ઉદ્ધવના કારણે જ રાણેએ શિવસેના છોડી હતી અને કૉંગ્રેસમાં જોડાયા હતા, પણ પછી ફડણવીસના આગ્રહને કારણે ભાજપમાં આવ્યા હતા.