તો શું દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન બનશે? RSSએ સંમતિ આપી દીધી, પણ અજિત પવાર, એકનાથ શિંદે….
મુંબઇઃ મહારાષ્ટ્ર વિધા સભા ચૂંટણીના અણધાર્યા પરિણામોએ બધાને ચોંકાવી દીધા છે. આવી બંપર જીતની તો ખુદ ભાજપએ પણ કલ્પના નહોતી કરી, પણ મહારાષ્ટ્રના લોકોએ મહાયુતિને ભરીભરીને મત આપ્યા છે. રાજ્યમાં સત્તાની ચાવી તો મહાયુતિને મળી ગઇ છે, પણ હવે મુખ્ય પ્રધાન કોણ બનશે, એના પર વાત આવીને અટકી છે. હાલમાં વિશ્વાસપાત્ર સૂત્રો તરફથી એમ જાણવા મળ્યું છે કે મુખ્ય પ્રધાન ભાજપનો હશે અને દેવેન્દ્ર ફડણવીસ આ માટે પહેલી પસંદગી છે. RSSએ દેવેન્દ્ર ફડણવીસના નામને લીલી ઝંડી આપી છે અને NCP (અજિત પવાર જૂથ)ના તમામ મંત્રીઓએ પણ ફડણવીસને મખ્ય પ્રધાનપદ માટે સંમતિ આપી છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને મહાયુતિને જંગી બહુમતી મળ્યા બાદ આરએસએસ અને ભાજપ હાઈકમાન્ડ દ્વારા મુખ્ય પ્રધાન પદ માટે દેવેન્દ્ર ફડણવીસનું નામ પસંદ કરવામાં આવ્યું છે. જોકે, RSSએ હજી સુધી ખુલ્લેઆમ આ માટે નિવેદન કર્યું નથી, પણ ફડણવીસ આરએસએસના સ્વંય સેવક હોવાથી સ્વાભાવિક રીતે જ તેમને પસંદ કરવામાં આવી શકે છે. સંઘ તરફથી ફડણવીસના નામને સમર્થન આપવાના આ ઉપરાંત પણ અન્ય ઘણા કારણો છે.
ફડણવીસને મુખ્ય પ્રધાન પદ શા માટે? :-
આરએસએસના સ્વંયસેવક હોવા ઉપરાંત ફડણવીસે હંમેશા સંઘની શિસ્તનું પાલન કર્યું છે. તેઓ સંઘની ટીમ ઈવેન્ટ્સમાં ખુલ્લેઆમ ભાગ લે છે. ફડણવીસ ખુદ નાગપુરના હોવાથી સંઘના વરિષ્ઠ નેતૃત્વથી લઈને નીચલા સ્તર સુધી એમ તમામ સ્તરો સાથે સીધો સંવાદ ધરાવે છે. લોકસભાની ચૂંટણીમાં રાજ્યમાં ભાજપના કંગાળ દેખાવ બાદ આરએસએસે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે જબ્બર પ્રયાસો કર્યા હતા અને ફડણવીસે તેમાં આગળ પડતી ભૂમિકા નિભાવી હતી. એકનાથ શિંદે અને અજિત પવાર જેવા નેતાઓ જ્યારે રાજકીય નફા નુક્સાનને ધ્યાનમાં રાખીને મુસ્લિમ તુષ્ટિકરણ, વોટજેહાદ જેવા મુદ્દાઓને સ્પર્શ્યા નહોતા ત્યારે દેવેન્દ્ર ફડણવીસે રાજકીય લાભ કે નુકસાનની પરવા કર્યા વગર હિંદુત્વનો મુદ્દો જોરદાર રીતે ઉઠાવ્યો હતો. મહારાષ્ટ્રમાં છેલ્લા 15 વર્ષમાં થયેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે પણ ફડણવીસ ભાજપના વિધાનસભ્યોને સાચવી રાખવામાં સફળ રહ્યા છે. ફડણવીસની સરખામણીમાં અન્ય કોઇ નેતાઓમાં વિકાસ, હિંદુત્વ અને તમામ જાતિઓને સાથે રાખીને સરકાર ચલાવવાની ક્ષમતા નથી.
જોકે, ફડણવીસની ફેવરમાં આ બધા કારણો હોવા છતાં પણ મુખ્ય પ્રધાન તરીકે તેમના નામની જાહેરાત હજી સુધી કરવામાં આવી નથી. શિવસેના શિંદે જૂથના નેતાઓ ઇચ્છે છે કે એકનાથ શિંદે જ મુખ્ય પ્રધાન બને. એકનાથ શિંદે કેમ્પ માને છે કે ચૂંટણી શિંદેના નેતૃત્વમાં લડવામાં આવી હતી અને સીટોની સંખ્યા નક્કી કરશે કે આગામી મુખ્યમંત્રી કોણ હશે તે અંગે ક્યારેય કોઈ સમજૂતી થઈ નથી. મુંબઇમાં થોડા સમયમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની મહત્વની ચૂંટણીઓ પણ આવી રહી છે જેમાં શિંદે મોટી ભૂમિકા ભજવી શકે છે, તેથી જો ફડણવીસને મુખ્ય પ્રધાન બનાવવામાં આવે તો પછી એકનાથ શિંદેનું શું? ગઠબંધન ધર્મ નિભાવવો કે પછી પક્ષની મહત્વાકાંક્ષા સંતોષવી એવો સવાલ ભાજપ હાઇ કમાન્ડને મુંઝવી રહ્યો છે.
આ પણ વાંચો નવેમ્બર પૂરો થવા આવ્યો ત્યારે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની આટલા કરોડની વેચવાલી
હાલમાં તો એમ માનવામાં આવે છે કે ફડણવીસ, શિંદે અને પવાર સોમવારે એટલે કે આજે અથવા મંગળવારે દિલ્હી જશે અને ભાજપ હાઈકમાન્ડને મળશે અને નિર્ણય લેવામાં આવશે.