દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની સરકારે મહારાષ્ટ્ર વિધાનસભામાં વિશ્ર્વાસનો મત જીત્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની સરકારે સોમવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં વિશ્ર્વાસનો મત સહેલાઈથી જીતી લીધો હતો.
શિવસેનાના વિધાનસભ્ય ઉદય સામંત અને અન્યો દ્વારા રજૂ કરાયેલ વિશ્ર્વાસના પ્રસ્તાવને ધ્વનિ મતદાનથી મંજૂર કરવામાં આવ્યો હતો.
સ્પીકર રાહુલ નાર્વેકરે એવી જાહેરાત કરી હતી કે વિશ્ર્વાસ પ્રસ્તાવ ગૃહ દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે.
ભાજપ-શિવસેના-એનસીપી ‘મહાયુતિ’ ગઠબંધન પાસે 288 સભ્યોની રાજ્ય વિધાનસભામાં 230 બેઠકોની જંગી બહુમતી છે.
વિધાનસભામાં બહુમતીનો આંકડો 144 છે.
‘વિશ્ર્વાસ પ્રસ્તાવ બહુમતી સાથે પસાર કરવામાં આવ્યો છે. વિધાનસભા હવે સ્થગિત થશે અને મહારાષ્ટ્રના રાજ્યપાલના ભાષણ પછી ફરી શરૂ થશે,’ એમ નાર્વેકરે વિધાનસભામાં જણાવ્યું હતું.
ફડણવીસે પાંચમી ડિસેમ્બરે ત્રીજી વખત મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. મુંબઈમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં સમારોહમાં એકનાથ શિંદે અને અજિત પવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા.
15મી વિધાનસભાએ 7 ડિસેમ્બરે સત્તાવાર રીતે તેનો કાર્યકાળ શરૂ કર્યો હતો. 288 સભ્યોના નીચલા ગૃહમાં ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ પાસે 230 બેઠકો હોવાથી ફ્લોર ટેસ્ટ માત્ર ઔપચારિકતા હતી.
આ પણ વાંચો : જો હું મારી સરખામણી 2014 ના દેવેન્દ્ર ફડણવીસ સાથે કરું તો…: મુખ્ય પ્રધાને કરી ‘મન કી બાત’!
શિવસેનાના નેતા અને ભૂતપૂર્વ પ્રધાન ઉદય સામંત, ભાજપના વિધાનસભ્ય સંજય કુટે, એનસીપીના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ પ્રધાન દિલીપ વળસે-પાટીલ અને અપક્ષ વિધાનસભ્ય રવિ રાણાએ વિધાનસભામાં વિશ્ર્વાસ પ્રસ્તાવ માંડ્યો હતો.
નાર્વેકરની સ્પીકર તરીકે નિમણૂંક સાથે, મહાયુતિ પાસે હવે નાના પક્ષો અને અપક્ષ વિધાનસભ્યો સહિત 229 વિધાનસભ્યનું સમર્થન છે.
15મી વિધાનસભામાં પક્ષની સ્થિતિ આ પ્રમાણે છે: મહાયુતિ – ભાજપ 132; શિવસેના 57; એનસીપી 41; જન સુરાજ્ય શક્તિ પાર્ટી 2; રાષ્ટ્રીય યુવા સ્વાભિમાન પાર્ટી 1; રાષ્ટ્રીય સમાજ પક્ષ 1; અપક્ષ 2; રાજર્ષિ શાહુ વિકાસ આઘાડી 1.
વિપક્ષ – શિવસેના (યુબીટી) 20; કોંગ્રેસ 16; એનસીપી (એસપી) 10; સીપીએમ 1, પીડબ્લ્યુપી 1, એઆઈએમઆઈએમ 1; સમાજવાદી પાર્ટી 2.