Devendra Fadnavis આજે કરી શકે છે પીએમ મોદી અને અમિત શાહ સાથે મુલાકાત, ઉપ મુખ્યમંત્રી પદેથી રાજીનામાના આપ્યા છે સંકેત

નવી દિલ્હી : મહારાષ્ટ્રના(Maharashtra) નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis) આજે ગૃહ પ્રધાન અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી શકે છે. મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં ભાજપના ખરાબ પ્રદર્શન બાદ ફડણવીસે સંકેત આપ્યા છે કે તેઓ પોતાનું પદ છોડીને પોતાનો સમગ્ર સમય પાર્ટીને આપવા માંગે છે.
સરકારમાંથી રાજીનામું આપીને પાર્ટી માટે કામ કરવા માગે છે
ગત બુધવારે મહારાષ્ટ્ર ભાજપ કોર કમિટીની બેઠક બાદ ફડણવીસે સંકેત આપ્યો હતો કે તેઓ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સરકારમાંથી રાજીનામું આપવા અને પાર્ટી માટે કામ કરવા માગે છે. છેલ્લા બે દિવસથી રાજ્ય ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે સહિત ફડણવીસના સમર્થકો તેમને આવું પગલું ન ભરવા માટે સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે, ફડણવીસે કહ્યું કે તેઓ સરકારમાંથી રાજીનામું આપીને પાર્ટી માટે કામ કરવા માગે છે.
વર્ષ 2019માં જીતેલી બેઠકો કરતા 23 ઓછી
આ લોકસભા ચૂંટણીમાં ભાજપ માત્ર 9 બેઠકો જીતી શકી હતી. જે વર્ષ 2019માં જીતેલી બેઠકો કરતા 23 ઓછી છે. ફડણવીસના નજીકના લોકો માને છે કે સામાન્ય ચૂંટણીમાં હાર છતાં ભાજપ આગામી વિધાનસભા ચૂંટણીમાં સત્તામાં આવી શકે છે.
તાવડે અને ફડણવીસ વચ્ચે બધુ બરાબર નથી
ઉલ્લેખનીય છે કે ફડણવીસ દિલ્હી પહોંચતા પહેલા ગુરુવારે ભાજપના મહાસચિવ વિનોદ તાવડેએ પણ ભાજપના ટોચના નેતાઓ સાથે બેઠક કરી હતી. આ પણ મહત્વનું છે કારણ કે તાવડે અને ફડણવીસ વચ્ચે બધુ બરાબર નથી. તાવડે ફડણવીસને 2019ની વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ ન આપવા અને તેમને દિલ્હી મોકલવા માટે જવાબદાર ગણે છે.