બિટકૉઇન મુદ્દે ફડણવીસે કહ્યું દૂધનું દૂઘ અને પાણીનું પાણી થવું જોઈએ…

મુંબઈઃ રાષ્ટ્રમાં બુધવારે વિધાનસભાની ચૂંટણીનું મતદાન થઇ રહ્યું હતું ત્યારે બિટકૉઇન કૌબાંડ સામે આવ્યું હતું. પુણેના માજી પોલીસ અધિકારી રવિન્દ્ર પાટીલે ચૂંટણીમાં વિદેશી ચલણનો ઉપયોગ કરાયો અને અને આર્થિક વ્યવહાર કરાયા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ સિવાય ભાજપના સાંસદ-પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ મંગળવારે રાત્રે પત્રકાર પરિષદ લઇને કૉલ રેકોર્ડિંગ તથા વૉટ્સઍપ ચૅટ્સના સ્ક્રીનશૉટ રજૂ કર્યા હતા. સુપ્રીયા સુળે અને નાના પટોલેનો કથિત અવાજ પણ ઑડિયો ક્લિપમાં સાંભળવા મળ્યો હતો.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ આ પ્રકરણે કાર્યવાહી કરીને સુપ્રીયા સુળેની કથિત ઑડિયો ક્લિપમાં જે ગૌરવ મહેતાનો ઉલ્લેખ કરાયો તેના છત્તીસગઢના રાયપુરના ઘર પર દરોડા પાડ્યા હતા તથા તેમના સંબંધિત અન્ય વિસ્તારોને પણ પ્રીવેન્શન ઓફ મની લૉન્ડરિંગ એક્ટ (પીએમએલએ)ની જોગવાઇઓ હેઠળ ઘેરી લેવામાં આવ્યા હતા.
મારું માનવું છે કે આ પ્રકરણે યોગ્ય તપાસ થવી જોઇએ અને સત્ય બધાની સામે આવવું જ જોઇએ. આ આરોપ ગંભીર છે અને આવા ગંભીર આરોપોમાં શું સત્ય છે એ જાણવાનો જનતાનો અધિકાર છે, એમ ફડણવીસે જણાવ્યું હતું.
ઑડિયો ક્લિપમાં જે અવાજ છે તે સુપ્રીયા સુળેનો હોવાનું જણાય છે, પણ નિષ્પક્ષતા માટે ‘દૂધનું દૂધ અને પાણીનું પાણી’ થવા જ દો. જો આ ક્લિપ સાથે ચેડાં કરાયા હશે તો આધુનિક ટેક્નોલોજીથી ખરી બાબત બહાર આવશે. આ અંગે તપાસ થવી જ જોઇએ, કારણ કે મામલો દેશની સુરક્ષાનો છે’, એમ ફડણવીસે વધુમાં જણાવ્યું હતું.
બિટકૉઇન મુદ્દે સુપ્રિયા સુળે, શરદ પવાર અને નાના પટોળેએ તમામ બાબતોને ફગાવી હતી. ભાજપ (ભારતીય જનતા પાર્ટી) તરફથી મારા સામે ખોટા આરોપો કરાઇ રહ્યા છે અને કાયદાકીય રીતે હું આક્ષેપો સામે લડીશ, એમ કૉંગ્રેસી નેતા નાના પટોળેએ જણાવ્યું હતું. ભંડારા જિલ્લામાં મતદાન કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં પટોળેએ જણાવ્યું હતું કે હું એક ખેડૂત છું અને બિટકોઇન્સથી મારે કંઇ લેવાદેવા નથી.
આ પણ વાંચો : Cash For Vote Vs Bitcoin: બિટકોઈન મુદ્દે હવે નાના પટોલેએ આપી પ્રતિક્રિયા
બિટકૉઇન કૌભાંડ શું છે?
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા ક્રિપ્ટો-બિટકૉઇન કૌભાંડની મની લૉન્ડરિંગ હેઠળ તપાસ ત્યારથી શરૂ થઇ જ્યારે મહારાષ્ટ્ર પોલીસ અને દિલ્હી પોલીસે વેરિએબલ ટેક પ્રા. લિ. નામની કંપની તથા અમિત ભારદ્વાજ (મૃત્યુ પામ્યા છે), અજય ભારદ્વાજ, વિવેક ભારદ્વાજ, સિમ્પી ભારદ્વાજ અને મહેન્દર ભારદ્વાજ તથા અનેક મલ્ટિ-લેવલ એજન્ટો સામે એફઆઇઆર નોંધી હતી.
તેઓએ ૨૦૧૭માં લોકો પાસેથી બિટકૉન્સના ફોર્મમાં ૬,૬૦૦ કરોડ રૂપિયા ભેગા કર્યા હતા અને તેઓને આ બિટકૉઇન પર દર મહિને ૧૦ ટકા વળતર આપવાની લાલચ આપી હતી. ઇડીએ આક્ષેપ કર્યો હતો કે બિટકૉઇનનો ઉપયોગ માઇનિંગ ના કામ માટે વપરાવવાના હતા અને રોકાણકારોને તેનાથી મોટો ફાયદો થવાનો હતો, પરંતુ પ્રમોટર્સ દ્વારા રોકાણકારોની છેતરપિંડી કરાઇ હતી.